કહેવા માટે તો આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે. પણ જાતિવાદની જડ માનસિકતા માથી બહાર આવી રહ્યા નથી. તેના ઉદાહરણ વાઈબ્રન્ટ ગુજરાતમાંથી મળતા આવ્યા છે. આભડછટને ઉજાગર કરતી ઘટના સાબરકાંઠા જીલ્લામાં બની છે. પ્રાંતિજ તાલુકાના બોરિયા શીતવાડા ગામે દલિત સમાજ યુવાનના લગ્ન હતાં. લગ્નના ઉમંગ અને ઉત્સાહમાં ગામના કેટલા જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોએ વિઘ્ન ઉભો કર્યો. દલિત હોવાના કારણે ગામમાંથી વરઘોડો નહીં કાઢવા માટે દલિત સમાજ અને અને અન્ય સમાજના લોકોમાં ઉગ્ર બોલાચાલી બાદ ગામમાં તંગદીલીનું વાતાવરણ સર્જાયુ હતું. પરિસ્થિતી બગડે નહીં તે માટે પોલીસ ગામમાં ધસી આવી મામલો શાંત પાડયો હતો. પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતીની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કોઈ ફળદાયી નિરાકરણ મળ્યુ ન હતું કારણ કે.આજે સવારે વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે અન્ય સમાજે વરયાત્રાને અટકાવવાના પ્રયાસો કર્યા હતાં. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. જિલ્લાની મોટાભાગની પોલીસ બોરિયા શીતવાડા ગામમાં ખડકી દેવામાં આવી હતી. જેથી આખુ ગામ પોલીસ છાવણીમાં ફેરવાય ગયુ હતુ. પોલીસ અને અન્ય અધિકારીઓનાં હસ્તક્ષેપ પછી પણ વરઘોડો તો પોલીસ બંદોબસ્ત વચ્ચે જ નિકળ્યો હતો. નવાઈની વાત એ છે કે, ગુજરાતના ગામડાઓમાં જાતિવાદી ઝેર એટલી હદે પ્રસરી રહ્યુ છે કે, એક પોલીસ જવાને માત્ર દલિત હોવાના કારણે પોતાના જ લગ્નમાં પોલીસ સુરક્ષા મેળવવી પડી હતી. જાન કાઢવા માટે પોલીસ બંદોબસ્ત મળ્યો હોવા છતાં તેને માત્ર દલિત વિસ્તારમાંથી જ કાઢવામાં આવી હતી. બીજા વિસ્તારમાંથી તો ગામના અન્ય સમાજે વરઘોડાને પ્રવેશવા દીધો નહોતો. જે શરમજનક બાબત છે. હાલમાં તો આ ગામમાં શાંતિ છે પરંતુ ગમે ત્યારે અણબનાવ બને તેવી અંજપાભરી સ્થિતી ઉભી થઈ છે. સવાલ એ પણ ઉભો થયો છે કે, ગુજરાતમાં દલિતોએ લગ્ન કરવા માટે શું પોલીસ સંરક્ષણ મેળવવું પડશે !