સાબરકાંઠા: પાકિસ્તાનથી બનાસકાંઠા થઈ તીડ મહેસાણા બાદ સાબરકાંઠામાં પ્રવેશ્યા હતા. જેના પગલે તેમનું લોકેશન મેળવી લેવામાં આવ્યું હતું. તેમજ સોમવારથી વહેલી સવારથી જ તીડ ઉપર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ ટીમ બનાવી ઇડર તાલુકાના અરોડા,જાદર, લાલપુર સહિતના ગામડાઓની સીમમાં તીડ ઉપર દવાનો છંટકાવ કરવામાં આવતા મોટાભાગના તીડ અલગ અલગ દિશાઓમાં ફંટાઈ ગયા હતા. જેમાંથી સૌથી મોટું ઝૂંડ વિજયનગર તરફની દિશામાં ફંટાઈ હતું. તેમજ બાકીના અન્ય ઝુંડ અરવલ્લી જિલ્લા તરફ ફંટાયા હતા.
જોકે, સાબરકાંઠા જિલ્લા સમાહર્તાએ જણાવ્યું હતું કે, હાલમાં કોઈપણ ખેડૂતને કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ શકે તેમ નથી. તેમજ જિલ્લાના કોઈપણ પ્રજાજનોને ગભરાવાની જરૂરિયાત નથી. હાલમાં દવાના છંટકાવના પગે મોટાભાગના તીડ નાશ પામ્યા છે. તેમજ અલગ અલગ દિશાઓમાં તીડને પગલે ખેડૂતોના ખેતરમાં સામૂહિક પણે નુકસાન જાય તેવી સંભાવનાઓ ખુબ ઓછી છે. જોકે, ખેતરમાં બેઠેલા તીડને ઉડાડવા માટે સ્થાનિકોએ ઢોલ, નગારા સહિત વિવિધ વાસણોનો ઉપયોગ કરી અને ઉડાડયા હતા. તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ આ મામલે વર્તમાન સમયે ગંભીરતા દાખવવામાં આવી છે. આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં કેટલું નુકસાન કરશે, તે તો આગામી સમય જ બતાવશે.