સાબરકાંઠા: એક તરફ કોરોના વાઈરસની મહામારીએ સમગ્ર વિશ્વમાં કાળો કેર મચાવ્યો છે, ત્યારે ભારત સહિત છેવાડાના જિલ્લાઓની સરહદો સીલ કરી દેવામાં આવી છે. જો કે, વહીવટી તંત્ર દ્વારા સરહદો સીલ કરવામાં ક્યાંક કાચુ કપાયુ હોય તેમ લાગી રહ્યું છે. ગત રાત્રિએ અમદાવાદના જુહાપુરાથી 3 પરિવારો સાબરકાંઠાના ઇડરમાં આવી જવાની ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો હતો.
જો કે, એક તરફ સરહદો સીલ કરાયા બાદ કોઈપણ વ્યક્તિએ આંતર જિલ્લાનો પ્રવાસ ન કરવાની અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાની વાતો છે, તો બીજી તરફ રાત્રીના સમયે કોઈપણ પ્રકારની રોકટોક વગર 3 પરિવારો ખાનગી વાહનમાં અમદાવાદથી સાબરકાંઠાના ઇડર સુધી આવી જવા છતાં કોઈપણ વ્યક્તિને જાણ ન થવાની બાબત સમગ્ર જિલ્લામાં જોર પકડી છે.
એક તરફ સામાન્ય બાબતમાં પોલીસતંત્ર એફઆઈઆર થકી છેવાડાના વ્યક્તિને કાયદાનું ચુસ્ત અમલ કરાવવાની વાતો કરે છે, તો બીજી તરફ ત્રણ જિલ્લાની સરહદો ઓળંગીને સાબરકાંઠાના છેવાડાના ઇડર સુધી આવી જતા પરિવારોના મુદ્દે ક્યાંક કાચુ કપાતું હોય તેવો ઘાટ સર્જાયો છે. જો કે, હાલમાં 3 પરિવારના કુલ 11 સભ્યોને 14 દિવસ માટે ક્વૉરન્ટીન કરી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.