હિંમતનગરઃ આજે સમગ્ર દેશમાં 74મા આઝાદી પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા કક્ષાની ઉજવણી સાબરકાંઠા જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ધ્વજ વંદન કરીને કરી હતી. સાથે જ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાકચેરી નવીનીકરણ અને હિંમતનગર નગરપાલિકા દ્વારા સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ તકે સાબરકાંઠાની વિશેષતા જણાવતાં ગૃહ પ્રધાને કહ્યું કે, સૈનિકોના ગામ તરીકે ઓળખાતા વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામ સહિત ડિજિટલ વિલેજ તરીકે તેમજ એનિમલ હોસ્ટેલથી અલગ ઓળખ ઊભી કરનારા આકોદરા ગામ સમગ્ર જિલ્લા માટે ગૌરવ સમાન છે. તેમજ પ્રજાજનોને શુભેચ્છા આપી તેમને જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા કોરોના મામલે મહત્વના પગલાં લેવાઇ રહ્યાં છે.
જેનાથી કોરોના મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા 10 રાજ્યો પૈકી ગુજરાત આજે દસ રાજ્યની યાદીમાંથી બહાર નીકળી ચુક્યું છે. તેમજ આગામી સમયમાં પણ કોરોના મહામારી સામે સરકારની પ્રતિબદ્ધતા યથાવત રહેશે.
આઝાદી પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં સાબરકાંઠા જિલ્લાના તમામ ધારાસભ્ય સ્થાનિક લોકસભા સાંસદ સહિત ગુજરાતના રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા ખાસ હાજર રહ્યાં હતાં. તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા, સાબરકાંઠા જિલ્લા કલેકટર તેમજ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીને કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સ તરીકે કરેલી કામગીરીને બિરદાવી તેમને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. કોરોના મહામારી સામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુરત જિલ્લા કક્ષાએ કરેલી કામગીરીને પણ ગૃહ પ્રધાને વખાણી હતી.
જોકે, કોરોના મહામારીને પગલે આ વર્ષે સ્થાનિક સ્કૂલ કોલેજ તેમજ સંસ્થા અને સાંસ્કૃતિક પ્રોગ્રામોને રદ કરવામાં આવ્યાં હતાં. આ સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવી સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.