સાબરકાંઠા : સામાન્ય રીતે અભ્યાસમાં તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ નંબર વન બનવા માટે શારીરિક તેમજ માનસિક સ્થિતિ એક્યુરેટ હોય તો જ નંબર વનની સીધી પ્રાપ્ત થતી હોય છે. જોકે મન હોય તો માળવે જવાય તે મુજબ ઈડર તાલુકાના ક્રિશ અતુલભાઇ સેરેબ્રલ પાલસી નામની શારીરિક દુર્બળતાની અતિ ગંભીર બીમારી હોવા છતાં સમગ્ર તાલુકામાં પહેલો નંબર લાવી શારીરિક દુર્બળતા ઉપર માનસિક સ્થિતિએ વિજય મેળવ્યો છે.
94.4 પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યો : ઇડરમાં સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડિત ક્રિસ અતુલકુમાર મહેતાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામમાં 700માંથી 547 ગુણ મેળવી 94.4 પર્સન્ટાઈલ રેન્ક સાથે ઈડર તાલુકામાં પ્રથમ ક્રમ હાસલ કર્યો છે. ક્રિશ મહેતા શારીરિક રીતે તદ્દન અન્ય વ્યક્તિ ઉપર આધારિત રહેવા છતાં ડિજિટલ યુગના પગલે લેપટોપ અને આઇપેડના ઉપયોગથી સતત અને સખત મહેનત કરતા આખરે ઈડર તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવવામાં સફળ બન્યો છે.
ક્રિશ જન્મથી જ આ રોગનો ભોગ બન્યો હતો. જોકે માનસિક બુદ્ધક્ષમતા અન્ય બાળકો કરતાં વિશિષ્ટ હોવાના પગલે તેને અભ્યાસ માટે સૌથી વધુ રુચિ હોવાના પગલે આઇપેડ સહિતના ડિજિટલ ગેજેટનો સહારો મેળવી તાજેતરમાં લેવાયેલી ધોરણ 12 ની પરીક્ષામાં તાલુકાકક્ષાએ પ્રથમ નંબર મેળવવામાં સફળ બન્યાે છે. દર્શનાબેન મહેતા (ક્રિશ મહેતાની માતા)
પરિવાર અને શાળાની ભૂમિકા મહત્ત્વની : કહેવાય છે કે એક માતા 100 શિક્ષકોની ગરજ સારી છે તેમજ એક શિક્ષક સો માતાઓની ગરજ સારે છે અને જ્યારે શિક્ષક અને માતા બંને સહિયારો પ્રયત્ન કરે તો ક્રિસ મહેતા તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શકે છે જોકે સેરેબ્રલ પાલ્સી નામના રોગથી પીડિત ક્રિશ મહેતાને માતા અને શિક્ષિકા તરફથી પ્રાપ્ત થયેલા સહયોગના પગલે આજે ધોરણ 12 માં તેઓ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવવામાં સફળ બન્યા છે..
સેરેબ્રલ પાલ્સી શું છે : સેરેબ્રલ પાલ્સી નામની બીમારી પ્રતિ 2000 બાળકોએ એક વ્યક્તિને થતી બીમારી છે. જે ગર્ભાધાનથી જન્મના ત્રણ માસ સુધીમાં થતી હોય છે. તેમજ ભારતમાં દર વર્ષે દસ લાખથી વધારે બાળકો આ રોગથી પીડિત હોય છે. ત્યારે સામાન્ય રીતે આ રોગના ભોગ બનતા બાળકોને પરિવાર સહિત સ્થાનિક સમાજ દ્વારા માનસિક રોગી ગણી અભ્યાસથી દૂર કરવામાં આવે છે. જોકે પારિવારિક સ્નેહ અને સહયોગ મળે તો આવા બાળકો પણ સમાજમાં માનભેર જીવન જીવી શકે છે. હાલના તબક્કે ઈડર તાલુકામાં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ ક્રિશ મહેતા આગામી સમયમાં અમેરિકા જઈ ગૂગલમાં નોકરી મળે તેટલો અભ્યાસ કરવાની ખેવના ધરાવે છે.
ક્રિશ અન્ય વિદ્યાર્થીઓ કરતા માનસિક બુદ્ધિ ક્ષમતામાં વધારે હોશિયાર છે. તેણેે મેળવેલી સિદ્ધિ એ ઈડર કે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત માટે અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડે તેમ છે. શારીરિક રીતે અસક્ષમ હોવા છતાં માનસિક સક્ષમતાથી તેને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. મન હોય તો માળવેે જવાય તે ઉક્તિ ચરિતાર્થ કરતા તેને સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડિત તમામ બાળકો માટે સફળતાની પ્રેરણા પૂરી પાડી છે જે અમારા માટે પણ ગૌરવરૂપ બાબત છે...મનીષાબેન ગાંધી (ક્રિશ મહેતાના શિક્ષિકા)
પ્રેરણારુપ સિદ્ધિ : સમગ્ર તાલુકાકક્ષાએ પ્રથમ નંબર મેળવનાર ક્રિશ મહેતા અસાધ્ય ગણાતી સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડિત હોવા છતાં ગુજરાત માટે પ્રેરણા આપી શકે તેમ છે. ત્યારે અન્ય વિદ્યાર્થીઓ ક્રિશ મહેતાની જેમ માનસિક રીતે મજબૂત બને તો તેઓ પણ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે તેમ છે.