મૂળ ઉત્તર પ્રદેશના પરંતુ 21 વર્ષથી હિંમતનગરમાં સ્થાયી થયેલા અને મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા રંજન પાંડેનું લક્ષ્ય ખૂબ જ ઉંચુ છે. મિસ ઈન્ડિયાના પ્રથમ સોપાન મિસ TGPCના આખરી તબક્કામાં તેની પસંદગી થઈ છે. મેડિકલની આ વિદ્યાર્થીનીએ કોઈ પણ જાતના ક્લાસીસ કે ટ્રેનિંગ લીધા વિના વિભિન્ન ટાસ્ક પૂરાં કરી 1900 યુવતિઓમાં 51મું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
આ સાથે જ પેઈન્ટિંગમાં પણ રંજને સફળતાના અનેક શીખરો સર કર્યા છે. રંજને આટલે જ ન રોકાતા વર્ષ 2019ના ફેસ ઓફ ગુજરાતમાં પણ બેસ્ટ સ્માઈલનો ખિતાબ પોતાને નામ કર્યો છે. મેડિકલના અભ્યાસની સાથોસાથ તેણે ઈન્ડિયાઝ મિસ TGPC સિઝનના પાર્ટીવેર, એથનિકવેર, રેમ્પ વોક સહિતના વિવિધ ટાસ્ક સરળતાથી પાર કર્યા છે. હવે TGPCમાં ગુજરાતમાંથી એકમાત્ર તેની જ પસંદગી થતાં પરિવારમાં અનેરો ઉંમગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હાલ રંજન બ્યુટી કોન્ટેસ્ટની પણ તૈયારી કરી રહી છે, ત્યારે આગામી સમયમાં રંજન મિસ ઈન્ડિયાના સોપાન પણ શર કરે તેવી અપેક્ષા માત્ર તેનો પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના લોકોમાં બંધાઈ છે.