સાબરકાંઠા: જિલ્લામાં છેલ્લા 24 કલાકથી થઈ રહેલા અનરાધાર વરસાદના પગલે હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોમાં ત્રણ ઇંચથી વધારે વરસાદના પગલે નદી નાળામાં વિપુલ માત્રામાં પાણીની આવક નોંધાઇ છે, ત્યારે હિંમતનગર નજીક પસાર થતી હાથમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
હિંમતનગર હાથમતી નદીમાં ઘોડાપૂર આવવાના પગલે સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. જોકે હાથમતી નદીમાં ઘણા લાંબા સમય પછી નદી બે કાંઠે થતા મોટી સંખ્યામાં લોકો નદી કિનારે કુદરતી માહોલ જોવા એકઠા થયા હતા.
તેમજ હજુ પણ વરસાદ યથાવત રહેવાના પગલે આગામી સમયમાં હિંમતનગર હાથમતી નદીમાં વધારે પૂર આવવાની પૂર્ણ સંભાવનાઓ રહેલી છે, ત્યારે નદી પાર કરનારા લોકોને સ્થાનિક તંત્ર દ્વારા હાલ પૂરતી મનાઇ કરવામાં આવી છે સાથોસાથ કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે હિંમતનગર ભોલેશ્વર વચ્ચેનો સ્લેબ બંધ કરવામાં આવ્યો છે.
જોકે વરસાદી માહોલમાં વહીવટી તંત્ર દ્વારા વધુ સાવચેતીની જરૂરિયાત છે. તેમજ અગમચેતીના ભાગરૂપે નદી પાર કરવા સ્થાનિકોના હિત માટે પ્રતિબંધ જરૂરી છે.