સાબરકાંઠા : આપણે અત્યારે એક એવા ગામ વિશેની માહીતી મેળવિશુ, જે ગામને ડિઝીટલ ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામ અમદાવાદથી 130 કિલોમીટર દુર સાંબરકાંઠા જીલ્લામાં આવેલ છે અને ગામનું નામ પુંસરી છે. શા માટે આ ગામને ડિઝીટલ ગામનો દરજ્જો આપવામાં આવ્યો છે, એવી તો શું આ ગામની ખાસીયતો છે, તેના પર એક નજર કરીએ. બાળકોને સારુ શિક્ષણ આપવા માટે ગામમાં શિક્ષણ ખુબજ સારા એવા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ ગામને નિરોગી રાખવા માટે ખાસ કરીને સ્વચ્છા પર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે. આ ગામ તમામ પ્રકારે સમૃદ્ધ છે, તે પાછળ ગામના લોકોનો વિશેષ્ઠ પ્રકારનો સિંહફાળો રહેલો છે.
ગામને મળ્યા અનેક એવોર્ડ : રાષ્ટ્રપતિ અને રાજ્યકક્ષાના સ્વચ્છતા તેમજ ડિજિટલ ગામ માટેના પુંસરી ગામને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. આજે પણ પુંસરીના ગ્રામજનો તેમજ સરપંચ દ્વારા નવી પહેલ ગામના વિકાસ કાર્યો માટે કરી રહ્યા છે. 2006 માં આ ગામમાં કોઈપણ પ્રકારની સુવિધાઓ જોવા મળતી ન હતી, પરંતુ તેમને પોતાની જમીન વેચીને તે રકમ માંથી ગામના વિકાસમાટે સ્વ ખર્ચ કરવા લાગ્યા હતા, અને ગામને એક નવી જ દિશા આપી હતી.
પૂર્વ સરપંચ હિમાંશુ પટેલએ જણાવ્યું કે, 2006થી 2016 સુધી તેમને ગામના સરપંચ તરીકેની ફરજ બજાવી હતી. 2011માં રાજ્ય શ્રેષ્ઠ પંચાયત અને 2015માં દેશના શ્રેષ્ઠ સરપંચ તરીકે એવોર્ડ મળ્યો હતો. ગામની તમામ પ્રાથમિક સુવિધાઓ ગામને આપવાનો તેમને વિચાર આવ્યો હતો. પાણી, શિક્ષણ, સ્વચ્છતા, રોડ-રસ્તા, બેન્ક તેમજ આરોગ્યની બાબત પર તેમને વધું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમજ રાજ્યની વિવિધ યોજનાઓનો તેમને સતત લાભ લિધો હતો.
શિક્ષણ પર વિશેષ ભાર મુકાયું : ગામના દરેક બાળકને સારૂ અને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે થઇને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આંગણવાડીથી માંડીને ઉચ્ચોત્તર માધ્યમના શિક્ષણ માટે સંપૂર્ણ પણે ડિઝીટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આંગણવાડીમાં પણ નાના બાળકો માટે આસાનીથી ભણી શકે તે માટે થઇને ડિઝીટલ બોર્ડ દ્રારા તેના પર ચિત્ર તેમજ વિડિયોના માધ્યમથી ભણાવવામાં આવે છે. તેમજ ઉત્તમ ગુણવતા વાળું ભોજન પણ પિરસવામાં આવે છે. પ્રાથમિક શાળામાં પણ દરેક વર્ગખંડમાં સીસીટીવી કેમેરા લગાડવવામાં આવ્યા છે. જેથી બાળકોને તેમના પરિવારજનો ક્લાસમાં કઇ રીતે શિક્ષણ મેળવી રહ્યા છે, તેના પર પણ નજર રાખી શકે. તેમજ શાળામાં ઇ-લાઇબ્રેરીની પણ સુવિધા છે.
શિક્ષિકા ભગવતી બહેને જણાવ્યું કે, તેમના સ્કુલના દરેક ક્લાકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. ઓફિસ બેઠેલા આચાર્ય તેમજ તમામ શિક્ષકો પણ બાળકો પર નજર રાખી શકે છે. વાઇફાઇ સિસ્ટમથી બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે. બાળકો શુદ્ધ પિવાલાયક પાણી પણ આપવામાં આવે છે.
ગામની વિશેષ સુવિધા : પુંસરી ગામમાં 35 જેટલા સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલ છે, ત્યારબાદથી ગામમાં ચોરીના બનાવો સાવ બંધ થઇ ગયેલ છે. જેની નજર પંચાયતમાંથી રાખવામાં આવે છે. ગામમાં સફાઈ પર વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. પંચાયત દ્વારા ગામમાં ચાર સફાઈ કર્મીઓ નીમવામાં આવ્યા છે. જેઓ દરરોજ સવારે ગામના રસ્તા, ગલીમાં પડેલો કચરો લઈને સ્વચ્છ અને સુઘડ ટકાવી રાખવામાં પોતાનો ફાળો આપી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાના ઘરનો કે અન્ય કચરો કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખે છે.
અન્ય મહત્વની વ્યવસ્થાઓ : ગામના લોકો પાસે સંદેશાવ્યવહાર માટે 120 જળ અવરોધક સ્પીકર રાખવામાં આવ્યા છે. જેના થક્કી ગામના સરપંચ મહત્વના સૂચનો લોકોને આપી શકે. આ સ્પીકરનો ઉપયોગ શ્લોક, ભજન વગેરે સાંભળી શકે તેવી વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. ગામના દરેક ચોકડી પર વોટરપ્રૂફ સ્પીકર્સથી સજ્જ કોમ્યુનિટી રેડિયો હોય છે. દરેક ઘરમાં વાઈફાઈ સુવિધા, મોબાઈલ, કોમ્પ્યુટર, પાકો રસ્તો અને પીવાનું શુદ્ધ પાણી સુવિધા જોવા મળે છે.
તલાટી મંત્રી ગાયત્રીબેન ચૌધરીએ જણાવ્યું કે, પુંસરી ગામમાં અતિઆધુનિક સુવિધાઓ છે. આ ગામે ગુજરાતના પ્રથમ રોલ મોડલ ગામ તરીકેની ખ્યાતી મેળવી છે. ગામમાં ગટર લાઇન, રોડ રસ્તા, ગામમાં સીસીટીવીની સુવિધા, પાણીની પણ સુવિધા, બસ સ્ટેશન પર વેઇટીંગ રુમ પણ બનાવેલ છે. શહેર કરતા પણ વધું વ્યવસ્થા ગામમાં જોવા મળી રહી છે. અન્ય ગામો પણ આ ગામ માંથી પ્રેરણા મેળવે છે. રાજકારીણોઓથી લઇને ફિલ્મ સ્ટાર પણ ગામના પ્રવાસી બન્યા છે.
મુખ્ય વ્યવસાય ખેતી : પુંસરી ગામમાં 6000 જેટલા લોકો વસવાસ કરે છે. ગામમાં મોટાભાગના લોકોનો વ્યવસાયમાં ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. પશુપાલન કરતાં લોકો સાંજે દૂધ ભરાવવા મંડળીએ સરળતાથી જઈ શકે તે માટે બસ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. ગામના વિકાસ માટે અનેક નવા કાર્યો આજે પણ નવા સરપંચ દ્રારા કરવામાં આવી રહ્યા છે.
ગામના નાગરીક પરમાર જીતેન્દ્રએ જણાવ્યું કે, પૂર્વ સરપંચ હિમાંશુભાઇ પટેલે ગામ માટે ખુબજ સારૂ કામ કર્યું છે. જેવી શહેરમાં વ્યવસ્થા નથી હોતી, તેના કરતા પુંસરી ગામમાં વધું સુવિધાઓ તેમની ઉભી કરી છે.
શહેરને શરમાવે એવી સુવિધા: સાબરકાંઠાના તલોદ તાલુકામાં આવેલું આ ગામની ગણતરી આમ તો ગ્રામીણ ઈલાકામાં થાય છે, પણ શહેરને શરમાવે એવી વાઈ–ફાઈ કનેક્ટિવિટી ત્યાં ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત એરકન્ડિશન્ડ સ્કૂલ, આરસીસી વાળા સુંદર રસ્તાઓ. 2010થી પંચાયતે ગામમાં RO મિનરલ પ્લાન્ટ મૂક્યા છે. જે ગામના નાગરિકોને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડે છે. પ્રસંગોએ પાણીના ટેન્કરનું આયોજન કરવામાં આવે છે. પીવાનું પાણી બધાં નાગરિકો માટે પ્રાપ્ત છે. ગામમાં યોગ્ય જળ નિકાલ અને ગટર વ્યવસ્થા સંપૂર્ણ રીતે જમીનની અંદર છે.
RO પ્લાન્ટના ઓપરેટર ધર્મેન્દ્ર ભાઇએ જણાવ્યું કે, પંચાયત તરફથી ગામ લોકો શુદ્ધ પિવાલાયક પાણી મળી રહે તેવા હેતું થી RO પ્લાન્ટ મુકવામાં આવ્યો છે. 7 રુપિયામાં 20 લિટર પાણી આપવામાં આવે છે. ઠંડુ પાણી 10 રુપિયામાં 20 લિટર આપવામાં આવે છે.