સાબરકાંઠામાં ઇડરમાં ત્રણ માસ અગાઉ ગઢ વિસ્તારમાંથી દીપડો દેખાવાના સમાચાર પ્રકાશિત થયા હતાં. તેમજ સતત દિપડો દેખાયા બાદ સ્થાનિક વિસ્તારમાં મારણ કર્યા હોવાના બનાવો પણ બન્યા હતાં. જો કે, આજે ઇડર ગઢના રાજમહેલથી દરગાહની વચ્ચેથી માદા દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, હજુ સુધી માદા દીપડાના મોતનું કારણ અકબંધ રહ્યું છે. હાલમાં ફોરેસ્ટ વિભાગ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને માદા દીપડાના પી.એમ માટેની તજવીજ હાથ ધરી હતી.
જો કે, આ વિસ્તારમાં દીપડાના મોત થવાના સમાચાર મળતા વન પ્રેમીઓ સહિત વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને કયા સંજોગોમાં માદા દિપડાનું મોત થયું તે અંગેના રહસ્યોનો પડદો દૂર કરવા અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. સૌથી મહત્વની બાબત એ છે કે, આ વિસ્તારમાં આ પ્રકારનો પ્રથમ બનાવ બન્યો છે. દીપડો દેખાવાના તેમ જ મારણ કર્યાના સમાચાર વખતે વન વિભાગ દ્વારા પાંજરૂ મુકી જીવીત પકડવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ દિપડાનું જે પ્રકારે મોત થયું છે. તેને લઇને હાલમાં શંકા-કુશંકાઓ વચ્ચે વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરી દીપડાના મોત પાછળ કયા કારણો જવાબદાર છે. તે શોધવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જો કે, આ વિસ્તારમાં આ પ્રકારના પ્રથમ બનાવથી સ્થાનિકોમાં એક તરફ રોષ છે. તો બીજી તરફ વન પ્રેમીઓમાં દીપડાના મોતના પગલે અરેરાટી વ્યાપી ગઇ છે, ત્યારે આગામી સમયમાં દિપડાના મોત માટે સાચું કારણ શું હોઇ શકે તે પણ એક તપાસનો વિષય બની રહેશે