સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં કપાસનું હબ ગણાતા સાબરકાંઠામાં આ વર્ષે 58000 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. ઈડર, હિંમતનગર તેમજ વડાલી વિસ્તારમાં આજથી કપાસની ખરીદી શરૂ થઈ છે. તહેવાર નજીક હોવાના કારણે પોતાનો વાવેલો પાક લઈ બજારમાં વેચાણ અર્થે નીકળતા હોય છે. બીજી તરફ તહેવાર ટાણે જ રૂપિયાની જરૂર હોય કપાસના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

કપાસના ભાવમાં ઘટાડો: એક તરફ આ વર્ષે ખાતર, દવા, બિયારણ સહિત મજૂરી ખર્ચ ગત વર્ષની સરખામણીએ ખૂબ વધ્યો છે તો બીજી તરફ ગત વર્ષની સરખામણીથી ખૂબ ઓછા ભાવે કપાસની ખરીદીની શરૂઆત થતા ખેડૂતો માટે બેવડો માર સર્જાયો છે. સામાન્ય રીતે રોકડિયા પાક તરીકે કપાસ પ્રથમ પસંદગીનો પાક બની રહે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી દીનપ્રતિદિન વધતા જતા ખર્ચની સામે કપાસના ભાવમાં નિરંતર ઘટાડો થતાં હવે ખેડૂત વર્ગમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે હિંમતનગર ખાતે કોટન માર્કેટ યાર્ડમાં તળિયાના ભાવથી પણ ઓછો ભાવ કપાસના ખેડૂતોને મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ ગત વર્ષ કરતાં ખૂબ ઓછા ભાવ હોવા છતાં વેપારી વર્ગ માટે જાણે કે ખેડૂત તમાશો હોય તેવો ઘાટ સર્જાયો છે. હિંમતનગર માર્કેટ યાર્ડમાં કપાસના વેપારીએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આટલા ભાવથી ખેડૂતો ખુશ છે. જોકે ખેડૂત માટે પ્રતિ 20 કિલોએ 2000થી વધુ ભાવ હોય ત્યારે તે કંઈક મેળવી શકે છે. જ્યારે હાલના તબક્કે હિંમતનગર માર્કેટ યાર્ડમાં અરવલ્લી સહિત સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાંથી કપાસના વેપારી પોતાના માલ સામાન સાથે આવી રહ્યા છે. જોકે સ્થાનિક વેપારીઓ કપાસના પાક ક્વોલિટી યોગ્ય ન હોવાના પગલે યોગ્ય ભાવ ન હોવાનું જણાવી રહ્યા છે.

જો કે એક તરફ પાછોતરા વરસાદના પગલે કપાસમાં સુકારાના રોગ સહિત ભારે નુકસાનીનું ખેડૂત સામનો કરી રહ્યો છે તો બીજી તરફ કપાસના ભાવમાં અચાનક કડાકો બોલી જતા ખેડૂત માટે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર પાસે જગતનો તાત મદદની અપેક્ષા રાખી રહ્યો છે. ત્યારે જોવાનું એ છે કે આ મામલે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે કેવા અને કેટલા પગલાં લે છે...
