સાબરકાંઠા જિલ્લામાં સોમવાર રાત્રે થયેલા સાર્વત્રિક ભારે વરસાદને પગલે કેળા અને પપૈયા વાવનારા ખેડૂતોને ભારે નુકસાન સર્જાયું છે. મોટાભાગે બાગાયતી પાકમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જોકે અચાનક ભારે વરસાદને પગલે કેળા અને પપૈયાના છોડ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. આ પાકમાં ફળ નીચે પડવાના તેમજ કેળા અને પપૈયાના છોડ ભાંગી જવાના પગલે વ્યાપક નુકસાન થયું છે.
આગામી સમયમાં હજુ પણ વધુ વરસાદ થાય તો વધુ નુકસાન સર્જાઈ શકે તેમ છે, ત્યારે ખેડૂતો માટે આ વર્ષ પડ્યા પર પાટું સમાન છે. સૌથી મહત્વની બાબત એ છે કે, શરૂઆતમાં વરસાદી સિઝન ખેંચાયા બાદ અત્યારે આવેલો વરસાદ આસો માસમાં અમાસ જેવો ઘાટ સર્જાયો છે. મોટાભાગે આવા વાવાઝોડા સાથે વરસાદ અષાઢ મહિનામાં થતો હોય છે, પરંતુ હાલમાં ચોમાસાની સિઝન પૂરી થયા બાદ સર્જાયેલો ખેડૂતો માટે કપરો સાબિત થયો છે.
ખેડૂતો હાલ રાતા પાણીએ રડી રહ્યા છે ત્યારે હજુ સુધી ખેડૂતો માટે કોઈપણ પ્રકારની સહાય કે સહયોગ માટે પ્રશાસન આગળ આવ્યું નથી. ત્યારે જોવું એ રહે છે કે આ મુદ્દે સ્થાનીય પ્રશાસન ક્યારે જાગે છે.