સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં અલગ-અલગ આરટીઓ ઓફિસ બનાવવામાં આવી છે. જોકે અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે અસ્તિત્વમાં આવેલી આરટીઓ ઓફિસમાં ડ્રાઇવિંગ ટ્રેક બંધ હોવાને પગલે બંને જિલ્લાની જનતા પરેશાન થઈ રહી છે. હિંમતનગર આરટીઓ ઓફિસમાં એક સાથે પાંચ લોકોના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા માટે ટ્રેક બનાવવામાં આવ્યો છે. જોકે તેમાંથી ત્રણ અરજદાર સાબરકાંઠાના તેમજ બે અરજદાર અરવલ્લીના લેવામાં આવે છે, જોકે સૌથી મહત્વની બાબત એ છે કે, ડ્રાઇવિંગ ઉપર મોટા ભાગના સેન્સર બંધ હાલતમાં છે. બીજી તરફ ટ્રેક ઉપર પશુઓ પણ રખડતા જોવા મળે છે, ત્યારે બંને જિલ્લામાંથી એક પણ વ્યક્તિને યોગ્ય ન્યાય મળતો નથી તો બીજી તરફ સુખીયાની વાતો કરનારા તંત્રના પેટનું પાણી હલતું નથી.
અરવલ્લી જિલ્લાના અસ્તિત્વ બાદ નવી બનાવવામાં આવેલા આરટીઓ ઓફીસ માત્રને માત્ર કાગળિયાના કામકાજ માટે જ ઉપયોગમાં લેવાતી હોય તેવું જણાઈ રહ્યું છે. જોકે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે સરકારે નવા બનાવેલા કાયદા મુજબ ભારેખમ દંડ ફટકારવાની પ્રક્રિયા હાથ ધરી છે, ત્યારે બંને જિલ્લામાં અરજદારોને કઈ રીતે ન્યાય આપો તે પણ એક સવાલ છે.
સ્થાનિક ટ્રાફિક ઓફિસરના મતે "સબ સલામત હૈ" નો નારો લગાવામાં આવી રહ્યું છે. બંને જિલ્લાના અરજદારો રોજ લાઈન લગાવીને પોતાનો નંબર નિયમો અનુસાર આગળ વધવાની અને ન્યાય મેળવવાની રાહ જુએ છે, તો બીજી તરફ કાયદાના પાલકો તેમજ અન્યને કાયદો શીખવનારા આરટીઓ કચેરીમાં જ કાયદાનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે.
જોકે સ્થાનિક અરજદારોની વાત માનીએ તો બંને જિલ્લાના અરજદારોમાંથી સૌથી વધારે અરવલ્લી જિલ્લાના અરજદારો પરેશાન થઇ રહ્યા છે. મોડાસાથી હિંમતનગર સુધી સપ્તાહમાં ચાર દિવસ ધક્કા ખાઈ રહ્યા છે, જોકે આ ધક્કા ખાવા છતાં પણ લાયસન્સનું નંબર ન આવતા લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે.
એક તરફ લાખોના ખર્ચે બનેલી ઓફિસ તૈયાર હોવા છતાં બંને જિલ્લાની જનતા પરેશાન થઈ રહી છે, ત્યારે આ મુદ્દે રાજ્ય સરકાર સહિત સ્થાનિક આગેવાનો ક્યારે જાગશે તે સૌથી મોટો પ્રશ્ન છે. પરંતુ હાલમાં બંને જિલ્લાની જનતા રાજ્ય સરકાર દ્વારા જ બનાવેલા રોડ પરિવહનના નિયમો અપનાવવા તૈયાર હોવા છતાં તંત્રની ખામીને પગલે બન્ને જિલ્લાની જનતા ભોગવી રહી છે.