સાબરકાંઠાઃ સમગ્ર ઉત્તર ગુજરાત માટે પીવાના તેમજ સિંચાઇના પાણી માટે ધરોઇ જળાશય યોજના આશીર્વાદ સમાન છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ યોજના અંતર્ગત પૂર્ણ અક્ષય પાણી મળી શકતું ન હતું. ત્યારે ગત વર્ષે થયેલા ૧૦૦ ટકાથી વધારે વરસાદના પગલે આજની તારીખે ધરોઇ જળાશય યોજનામાં ૫૦ ટકાથી વધારે પાણીનો જથ્થો યથાવત્ છે. જેના પગલે સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા સર્જાશે નહી.
ધરોઇ જળાશય યોજનામાં આજની તારીખે 206 ફૂટથી વધારે પાણીનો જથ્થો સંગ્રહિત છે. જે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ સુધી પાણી પહોંચાડવા સમર્થ છે. આજની તારીખે પણ 129થી વધારે ગામડાઓમાં પીવાના પાણીની જરૂરિયાત ધરોઇ જળાશય યોજના થકી પૂરી પાડવામાં આવે છે. તેમજ ઉત્તર ગુજરાતના ૧૦ મોટા શહેરો પણ ધરોઇ જળાશય યોજના પર આધારિત છે. જોકે, દર વર્ષે પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ ગત વર્ષે થયેલા ભારે વરસાદના પગલે ધરોઇ જળાશય યોજનામાં પાણીનો જથ્થો સંગ્રહિત રહેવાના પગલે આ વર્ષે પાણીની કોઇ સમસ્યા નહીં સર્જાય જે સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક આશીર્વાદ સમાન બની રહેશે.