સાબરકાંઠાઃ ગુજરાતમાં સરકારની દારૂ બંધીની વાતો છેડે ચોક પોકળ સાબિત થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં સાચા અર્થમાં દારૂબંધી માટે પાયાનું કામ સાબરકાંઠાના વીજયનગરના સરહદી વિસ્તારના નવાભગા ગામે શરૂ થયુ છે. આ ગામમાં છેલ્લાં કેટલાક સમયથી દારૂનું વેચાણ ખૂબ પ્રમાણમાં વધી ગયું હતું. જેને લઈ ગામના યુવાધન દારૂની લતે ચડી ગયું હતું. અતિશય દારૂના સેવનને લઈ કેટલાક યુવાનો અકસ્માતમાં પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે. જેના કારણે નાની ઉંમરમાં કેટલીય દીકરીઓ વિધવા થઈ ચૂકી છે.
અતિશય દારૂના સેવનને કારણે આ વિસ્તારમાં શિક્ષણનું સ્તર નીચું જવા પામ્યું છે. યુવાનો વ્યસનના કારણે કોઈ નોકરી, ધંધા, રોજગાર તરફ વળતા નથી. ગામનો વિકાસ થવાને બદલે વિકાસ રૂંધાઇ રહ્યો હતો. જેનું મૂળ માત્ર દારૂ જ હતો.
ગ્રામ જનોની એક બેઠક બોલાવી. તેમજ દારૂબંધી વિષય પર ઊંડાણ પૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો અને અંતે ગ્રામજનોએ ગ્રામસભાની અંદર એક ઠરાવ પસાર કર્યો કે, ગામમાં આજથી દારૂનું વેચાણ કરવા દેવામાં આવશે નહીં. તેમજ ગામનો કોઈપણ યુવાન દારૂ પીશે નહિ, જો પીતા પકડાશે તો તેને ગામ આગેવાનો જાતે પકડી પોલીસને હવાલે કરાશે.
ગુજરાતનું આ એવું અંતરિયાળ આદિવાસી વિસ્તારનું એક એવું ગામ છે. જેણે કડક દારૂ બંધી માટે પહેલ કરી છે, જો ગુજરાતના દરેક ગામડાઓમાં આવી જાગૃતતા આવે તો ગુજરાતમાં દારૂ બંધી આપો આપ બંધ થઈ જાય તેમ છે.