સાબરકાંઠાના વિલાસપુર ગામમાં છેલ્લા કેટલાક સમયથી કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. વિલાસપુર ગામમાં 180 લોકો વસવાટ કરે છે જે પૈકી 20થી વધુ લોકોને કેન્સરનો રિપોર્ટ આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ સર્જાયું છે. ગામમાં 20થી વધારે કેસો પૈકી 9 થી વધારે લોકો મૃત્યુ પામ્યા અને 10થી વધારે લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે, જિલ્લામાં કેન્સરનો આટલો મોટો ભરડો હોવા છતાં આરોગ્ય વિભાગ હજુ સુધી કુંભકર્ણની નિંદ્રામાં છે.
સામાન્ય રીતે કેન્સર નામની બીમારીના ચોક્કસ કારણો મળી શકે નહીં પરંતુ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાસાયણિક દવા તેમજ ખાતરોના પગે કેન્સરનો ભરડો વધી રહ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જોકે સ્થાનિક લોક સેવકો, સંસ્થાઓ અને સરકાર પણ જાણે કે વિસ્તારને ભૂલી ગઈ હોય તેમ આજદિન સુધી કોઈપણ વ્યક્તિએ રૂબરૂ મુલાકાત કરી નથી. સમગ્ર ગામને આ મહામારીમાંથી બહાર લાવવા કોઈ પ્રયાસ હાથ ધરાયો નથી, ત્યારે સ્થાનિકો આ મુદ્દે સરકાર પાસે સહયોગ માંગી રહ્યા છે. તેમ જ સ્થાનિક ગામની આસપાસના વિસ્તારો માટે પણ આ મહાવિનાશક બીમારીમાં સરકાર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવાય તેવી માંગ કરી રહ્યા છે.
જો કે કોઈપણ વિસ્તારમાં મહામારી ફેલાય ત્યારે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ પેદા થતો હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં 20થી વધુ લોકોને કેન્સરનો પોઝિટિવ રિપોર્ટ આવતા સમગ્ર વિસ્તારમાં ભય વ્યાપ્યો છે. આજની તારીખે કેટલાક લોકો ગામ છોડી જવાની તૈયારીઓ કરી રહ્યા છે, તો કેટલાક લોકો પોતાના ઘરથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.
જ્યારે સ્વચ્છ ગુજરાતના નારા હેઠળ રાજ્ય સરકાર કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે ત્યારે સ્થાનિક પ્રજાજનોનું આરોગ્ય કેટલું સારું છે એ તો સૌ કોઈ જાણે છે. એક જ ગામમાં કેન્સરના આટલા બધા કેસ હોવા છતાં હજુ સુધી આરોગ્ય વિભાગે આ ગામની મુલાકાત કરી નથી તેમજ ગામમાં કેન્સર નામની બીમારીમાંથી કઈ રીતે બહાર લાવવું એનો પણ કોઈ એક્શન પ્લાન હાથ ધરાયો નથી. ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર તેમજ સ્થાનિક જિલ્લા આરોગ્ય વિભાગ ઉપલા અધિકારીઓના સલાહ સૂચન થકી આગળ વધવાની વાતો કરતું નજરે પડે છે. જોકે આવું ક્યારે બનશે તે હજુ અધ્ધરતાલ છે.