સાબરકાંઠાઃ તાજેતરમાં વન વિભાગે વન્ય પ્રાણીઓની ગણતરી પૂર્ણ કરી લીધી છે. સાબરકાંઠા જિલ્લા માટે સારા સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં રીંછની વસ્તી વધી હોવાનું જણાયું છે. આ જિલ્લામાં કુલ 30 જેટલા રીંછ વસવાટ કરે છે. જેમાંથી વિજયનગર તાલુકામાં જ 28 રીંછની સંખ્યા નોંધાઈ છે.
વિજયનગર અનુકૂળ પરિસરઃ રીંછના વસવાટ માટે વિજયનગર તાલુકાનું પરિસર અનુકૂળ છે. વિજયનગર તાલુકામાં હરિયાળી, રીંછને અનુકૂળ ખાદ્ય વનસ્પતિઓ, મધનું પ્રમાણ અને પાણીના પૂરતા સ્ત્રોત છે. જેથી રીંછ વિજયનગર તાલુકામાં વસવાટ કરવાનું વધુ પસંદ કરે છે. સાબરકાંઠામાં કુલ 30 રીંછ નોંધાયા છે જેમાંથી 28 રીંછ વિજયનગર અને 2 રીંછ પોશીના તાલુકામાં નોંધાયા છે.
રીંછના હુમલાની ઘટનાઃ રીંછ દર્શન માટે વન્ય જીવ પ્રેમીઓ ખૂબ દૂર સુધી જંગલ ખુંદતા જોવા મળે છે. વિજયનગરના પોળો જંગલોમાં પણ મુલાકાતીઓ રીંછ દર્શન માટે આવતા હોય છે. રીંછને પોતાના કુદરતી વાતાવરણમાં કોઈની દખલ પસંદ હોતી નથી. તેથી સ્થાનિકો અને પ્રવાસીઓ રીંછ દર્શન માટે રીંછની વધુ નજીક પહોંચી જાય છે. જેનાથી રીંછ ડિસ્ટર્બ થાય છે અને ગુસ્સા-ગભરામણમાં નજીક રહેલા સ્થાનિક અને પ્રવાસીઓ પર હુમલો કરી બેસે છે. છેલ્લા કેટલાક વર્ષોથી રીંછના હુમલાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.
રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલા વિજયનગર તેમજ પોશીના તાલુકાઓમાં રીંછની સંખ્યા વધી છે. સાબરકાઠા જિલ્લામાં કુલ 30 રીંછ નોંધાયા છે. જેમાંથી વિજયનગર તાલુકામાં 28 અને પોશીના તાલુકામાં 2 રીંછ નોંધાયા છે. સાબરકાંઠામાં અરવલ્લીની હારમાળાના જંગલોનું પરિસર રીંછ માટે બહુ અનુકૂળ છે. જેથી રીંછની વસ્તી આ વિસ્તારમાં વધી રહી છે. પોલો ફોરેસ્ટના પ્રવાસીઓ માટે પણ રીંછની વસ્તી વધી તે સારા સમાચાર છે...વનરાજ સિંહ ચૌહાણ (મદદનીશ વન સંરક્ષક અધિકારી, સાબરકાંઠા)