ગુજરાત સરકાર દ્વારા આ વખતે બજેટમાં રૂપિયા 2115 કરોડ જેવી રકમ થકી ગુજરાતને કુપોષણમાંથી મુક્ત કરાવવા યોજના માટે અન્ન ત્રિવેણી યોજના અંતર્ગત ફાળવણી કરવામાં આવી હતી. જોકે આટલી મોટી રકમ હોવા છતાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં કુપોષણના સૌથી વધુ બાળકો જોવા મળ્યા હતા. જેમાં વર્ષ 2016-17 ના પ્રથમ સત્રનો માલ સામાન અત્યારે હાલમાં વિતરિત કરાઈ રહ્યાં છે. જ્યારે 2017- 18 અને 2018-19 નો માલ સામાનની ફાળવણી બાકી છે. માત્ર ખેડબ્રહ્મા તેમજ પોશીના તાલુકાની વાત કરવામાં આવે તો 94 સ્કુલો પૈકી માત્ર 18 સ્કૂલોમાં જ અનાજની ફાળવણી કરાઈ છે. સ્થાનિક મામલતદાર આ યોજના માટે ગોડાઉન મેનેજર તેમજ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી ખૂલાસો માંગે છે તેમજ જિલ્લાકક્ષાએ આગામી સમયમાં રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
જો કે આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીનો સંપર્ક કરતા તેમને સમગ્ર માલસામાન તેમજ અનાજ નિયત સમયે પહોચાડવામાં આવી છે, તેવી જાણકારી આપી હતી.જોકે આ યોજના અંતર્ગત સરકારી ચોપડે તમામ માલસામાનની ફાળવણી પણ થઈ ગઈ છે. 7000થી વધુ અતિ કુપોષિત બાળકો ધરાવનાર આ જિલ્લાની સ્થિતિ એવી છે કે, પ્રતિદન કુપોષિત બાળકોના કેસમાં વધારો થઇ રહ્યો છે.
સામાન્ય રીતે સરકાર દ્વારા જે અનાજની ફાળવણી કરવામાં આવે છે તેના થકી અનેક બાળકો આ કુપોષણથી બચી શકે છે. પરતું સરકારમાં ચાલતા કૌભાંડો વચ્ચે વનવાસી વિસ્તારમાં 30 કિલો અનાજ આપવાની શરૂઆત કેટલાય વર્ષોથી કરાઇ હોવાનું સરકારી ચોપડે નોંધ કરવામાં આવી છે. જોકે પાછલા ત્રણ વર્ષમાં આ માલસામાન હજી સુધી આ વિસ્તારમાં એક પણ વ્યક્તિને પહોંચ્યો નથી. તો બીજી તરફ આ મુદ્દે સરકારી ગોડાઉનના મેનેજર પોતાનો બચાવ કરતા જોવા મળ્યા હતા. તેમણે કર્યું કે હાલ ગોડાઉનમાં 81000 બોરીની ઘટ છે.
સરકારી પરિપત્ર મુજબ સરકારી ગોડાઉનથી પંડિત દીનદયાળ ગ્રાહકની એજન્સી ધરાવનારા તમામ લોકોને સત્ર દીઠ 30 કિલો અનાજ પહોંચાડવાનું હોય છે. જે વિદ્યાર્થીની હાજરી 70 ટકાથી વધારે હોય તેને આ સહાય આપવામાં આવે છે. જોકે આજદિન સુધી આ યોજના છેવાડાના લાભાર્થી સુધી પહોંચી જ નથી.ખેડબ્રહ્મા તાલુકાના ચીખલા ગામના વનવાસી પરિવારનો સંપર્ક કરતા તેમને પણ આવા કાર્ડ તો અપાય છે પણ માલસામાન આજદિન સુધી એક પણ વાર આપવામાં આવ્યું નથી.