- મિની ગુજરાત તરીકે ઓળખાય છે ભંડવાલ ગામ
- શેરીઓને અપાયા જિલ્લાના નામ
- ગ્રામ પંચાયત થકી વિશિષ્ટ પ્રયાસ
સાબરકાંઠા : ગુજરાતનું એક એવું ગામ કે, જેને મિની ગુજરાત કહેવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલા ભંડવાલ ગામની તમામ શેરી અને મહોલ્લાના નામ ગુજરાતના જિલ્લાના નામ પરથી આપવામાં આવ્યા છે. જેની પાછળ આ વિસ્તારમાં રહેનારા લોકોમાં એકતા અને અખંડિતતાની સાથે ભાઈચારાની લાગણી કેળવાય તેવો ઉમદા આશય છે. આ વિશિષ્ટ પ્રયાસ ગ્રામ પંચાયત થકી કરવામાં આવ્યો છે.
ગામની શેરીઓને અપાયા જિલ્લાના નામ
ગામમાં વિવિધ સમાજના લોકો રહે છે. તેમજ આ ગામ છેલ્લા કેટલાય વર્ષોથી સમરસ ગ્રામ પંચાયત તરીકે જાણીતી છે. તેમજ ડિજિટલ ગામ હોવાની સાથે નિર્મળ ગામ અને શ્રેષ્ઠ ગામ તરીકેનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. ત્યારે ભંડવાલ ગામે કરેલી એક અનોખી પહેલ સમગ્ર વિસ્તાર તેમજ રાજ્ય માટે નવી દિશા બની શકે તેમ છે. આ ગામમાં વિવિધ મહોલ્લાના નામ ગુજરાતના વિવિધ જિલ્લાના નામો પરથી આપવામાં આવ્યા છે.
અરસપરસનો ભેદ-ભાવ ભૂલી એકતાનો ભાવ સમગ્ર ગામમાં વધ્યો
ગામની શેરીઓને જિલ્લાના નામ આપવાને પગલે ગામમાં કોઈપણ વ્યક્તિ આવે તો કોઈપણ ગ્રામજનનું સરનામું સરળતાથી મેળવી શકે છે. જિલ્લાના નામ પરથી સોસાયટીનું નામ લખાવાનું હોવાથી અરસપરસનો ભેદ-ભાવ ભૂલી એકતાનો ભાવ સમગ્ર ગામમાં વધ્યો છે.