સાબરકાંઠા: આરોગ્ય વિભાગના જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવાના અથાગ પ્રયત્નોને પરિણામે અત્યાર સુધીમાં બે મહિનાની બાળકીથી લઈને 80 વર્ષિય વૃધ્ધાને તબીબી ટીમ દ્વારા સારવાર આપી કોરોના મુક્ત કરવામાં આવ્યા છે.
શુક્રવારે વધુ ત્રણ દર્દીઓએ કોરોનાને માત આપી હતી જેમાં હિંમતનગરના હરસિધ્ધ સોસાયટીના રહિશ 57 વર્ષિય અરવિંદભાઇ ભટ્ટ યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદથી, પૃથ્વીનગર સોસાયટી મોતીપુરાના 57 વર્ષિય પુરૂષ લાલજીભાઇ ડાભી અસ્કા હોસ્પિટલ ગાંધીનગરથી , કંપા ખેડબ્રહ્માના 54 વર્ષિય મોહનભાઇ પટેલે મેડીસ્ટાર હોસ્પિટલ હિંમતનગર ખાતેથી કોરોનાને માત આપતા તેમને ઘરે જવા રજા અપાઇ હતી.
આ ઉપરાંત શુક્રવારે આવેલા રીપોર્ટમાં પ્રાંતિજ તાલુકાના વ્હોરવાડ વિસ્તારના 56 વર્ષિય પુરૂષ, હિંમતનગરના ગોકુલનગર વિસ્તારના 56 વર્ષિય પુરૂષ અને પોલો ગ્રાઉન્ડ વિસ્તારના 45 વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આમ સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કુલ 132 કેસ નોંધાયા છે. જેમાંથી 111 દર્દી કોરોના મુક્ત થયા છે. જયારે 6 કોરોના દર્દીઓના મૃત્યુ થયા હતા. હાલમાં 15 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.