રાજકોટ : શહેરમાં 30 લાખની લૂંટની સનસનીખેજ ઘટના સામે આવી હતી. શહેરનાં કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ ઉપર મિલપરા પાસે બેન્ક કર્મચારીએ લીધેલા મકાનનું પેમેન્ટ આપવા માટે જતો હોય, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો દ્વારા તેને પછાડી દઇને તેની પાસે રહેલા રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. આ બનાવની પોલીસે ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા ભોગ બનનારે જ દેણું વધી જતાં લૂંટનું નાટક કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
CCTV ચેક કરતા ઘટનાની હકીકત સામે આવી સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટ આનંદનગર મેઇન રોડ પર રહેતા અને ખાનગી બેન્કમાં નોકરી કરતો મંથન રાજેશ માંડલિયા નામનો યુવક બપોરના બે વાગ્યાના અરસાએ ગોંડલ રોડ પર આવેલી બેન્કમાંથી 30 લાખની રોકડ લઇ મિલપરા શેરીમાં રહેતા સુરેશ રાઘવજીભાઇ પારેખનું મકાન ખરીદ કર્યું હોય તેનું પેમેન્ટ આપવા માટે તેઓને જતો હતો, ત્યારે મિલપરા વિસ્તારમાં પહોંચતાની સાથે જ તેની પાછળ બાઇક લઇને આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને આંતરી પાટુ મારી દીધું હતું. ત્યારબાદ અજાણ્યા શખ્સોએ તેની પાસે રહેલો રોકડ ભરેલો થેલો લૂંટી ત્યાંથી ગણતરીની મિનિટોમાં જ ગુમ થઇ ગયા હતા. ભરબપોરે મિલપરા જેવા ભરચક વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનાની ભક્તિનગર પોલીસને જાણ થતા કાફલો મોટી સંખ્યામાં મિલપરા વિસ્તારમાં દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો સુરતના બિલ્ડરનું અપહરણ, લૂંટને 12 કરોડના બિટકોઇન મામલે તમામ આરોપીઓને હાઇકોર્ટ દ્વારા નોટિસ
બનાવ પ્રથમથી જ શંકાસ્પદ જણાયો હતો જોકે, આ બનાવ પ્રથમથી જ શંકાસ્પદ જણાતો હોય જેથી પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ફૂટેજ તપાસતા આવો કોઇપણ પ્રકારનો બનાવ ન બન્યો હોવાનું જણાતા પોલીસે લૂંટ અંગેની જાણ કરનાર જગદીશભાઈ અને તેના ભત્રીજા મંથનની આગવીઢબે પૂછતાછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા. તેથી તેમણે વટાણા વેરી નાખતા લૂંટનો બનાવ તરકટ હોવાનું જણાવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ બાદ મંથને દેણું વધી જતાં તેણે આ લૂંટનું તરકટ રચ્યું હોવાનું પોલીસ સામે કબૂલાત આપી હતી.
આ પણ વાંચો જેલમાંથી છૂટ્યા બાદ નોકર બનીને દોઢ કરોડની લૂંટ મચાવી, 3ની ધરપકડ
લૂંટનું નાટક કરનાર આરોપીએ માફી માંગી જ્યારે પોલીસે સમગ્ર મામલાનો ભેદ ઉકેલ નાખ્યો છે, ત્યારબાદ આ લૂંટનું નાટક કરનાર મંથન માંડલીયાએ જણાવ્યું હતું કે. આ લૂંટ થઈ જ નહોતી, મેં લુટ થયાનું નાટક કર્યું હતું. જેનું કારણ એ હતું કે, મારે જ્યાં પેમેન્ટ કરવાનું હતું તે બેંકમાં પેમેન્ટની તારીખ આવી ગઈ હતી. જો આ પ્રકારનું નાટક કરુ તો મને એક મહિનાનો સમય મળી જાય તે માટે મેં આ લૂંટનું નાટક કર્યું હતું. જે મારી ભૂલ થઈ છે. જ્યારે ઘટના સ્થળે મારું બાઈક સ્લીપ થઈ ગયું હતું. ત્યાં કોઈ પણ પ્રકારની લૂંટ થઈ નહોતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ભરબપોરે રૂપિયા 30 લાખની લૂંટ થયાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર પણ તાત્કાલિક કામે લાગી ગયું હતું અને ઠેર ઠેર નાકાબંધી પણ કરાવી હતી.