રાજકોટ: રાજ્ય સહિત દેશભરમાં દશેરા પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં રાજકોટમાં પણ વિવિધ સમાજ દ્વારા શસ્ત્રો પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. રાજકોટ બ્રહ્મ સમાજ દ્વારા સંવિધાનનું પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ જોડાયા હતા તેમજ મંત્રોચ્ચાર સાથે સંવિધાનનું પૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો પણ વિશાળ સંખ્યામાં જોવા મળ્યા હતા. રાજકોટમાં દશેરા નિમિતે પ્રથમ વખત આવું અનોખું સંવિધાન પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દશેરા પર્વે બંધારણનું પૂજન: આ કાર્યક્રમ અંગે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખૂબ લોકોના લોહી રેડાયા છે અને ઘણા બધા લોકો જેલમાં ગયા છે. ત્યારબાદ આપના દેશને આ બંધારણ મળ્યું છે જે સૌને સુરક્ષા પ્રદાન કરાવે છે. આજના આ આધુનિક યુગમાં તમારે કોઈ તલવાર કે હથિયારની જરૂર નથી, પરંતુ જો તમે બંધારણને સમજો તો તે તમને પૂર્ણ કવચ અને સુરક્ષા આપે છે માટે આજે બંધારણ એ લોકશાહીમાં બ્રમ્હાસ્ત્ર છે. ત્યારે બ્રહ્મ સમાજના મારા મિત્રોને બંધારણનું પૂજન કરવાનો વિચાર આવ્યો અને અહી અમે બંધારણની પૂજા કરી રહ્યા છે. જ્યારે આ પ્રકારના આયોજનથી વધુમાં વધુ લોકો બંધારણ પ્રત્યે જાગૃત થાય તે તેનો મુખ્ય હેતુ છે.
60 ફૂટના રાવણનું દહન: આજે દેશભરમાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે. લોકોએ તલવાર, બંદૂક સહિતના હથિયારોની પૂજા કરીને દશેર પર્વે ચાલતી આવતી વર્ષોની પરંપરાને આગળ ઘપાવી. એવામાં રાજકોટમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂની આગેવાનીમાં આજે સંવિધાન પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો પણ જોડાયા હતા અને બંધારણનું વિવિધ મંત્રોચ્ચાર સાથે પૂજન કર્યું હતું. જ્યારે રાજકોટ પોલીસ દ્વારા દશેરા નિમિતે હેડક્વાટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આજે દશેરા નિમિતે શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે 60 ફૂટના રાવણનું દહન કરવામાં આવશે.