રાજકોટ : રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી ભરત કૈલા દ્વારા રાજકોટ જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને વધુ એક અઠવાડિયા માટે સવારે 8 વાગ્યા પછી જ શરૂ કરવાનો આદેશ જાહેર કર્યા છે. જ્યારે રાજકોટ સહિતના જિલ્લાઓમાં હજુ પણ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એવામાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 21 તારીખ સુધી આઠ વાગ્યા બાદ શાળા શરૂ કરવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. પરંતુ ઠંડી યથાવત જોવા મળતા ફરી એક અઠવાડિયા સુધી શાળાને સવારે 8:00 વાગ્યા બાદ જ શરૂ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Jamnagar : ઠંડીના ચમકારાને લઈને ચીડિયા ઘરમાં પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા
ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મૃત્યુ નિપજ્યું : રાજકોટમાં તાજેતરમાં જ ગોંડલ રોડ પર આવેલી જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું ચાલુ કલાસે હૃદય બેસી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક રાજકોટ શહેર અને જિલ્લાની તમામ શાળાઓને સવારે 8 વાગ્યા બાદ જ શરૂ કરવા માટેનો પરિપત્ર જાહેર કર્યો હતો. જેને હજુ પણ લંબાવવામાં આવ્યો છે. જ્યારે આવી કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓને પણ રાહત મળી રહે તે માટે આ નિર્ણય જાહેર કરાયો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં નાની મોટી મળીને કુલ 3000 જેટલી શાળાઓ આવેલી છે. જે હવે એક અઠવાડિયા સુધી 8:00 વાગ્યા બાદ જ શરૂ થશે.
આ પણ વાંચો : Gujarat weather: આગામી બે દિવસ કોલ્ડ વેવની આગાહી, કચ્છ બન્યુ કાશ્મીર
બાળકોનું ધ્યાન રાખવાની કરી અપીલ : આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણા અધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, તારીખ 21મી જાન્યુઆરી છે. તેમજ શહેર અને જિલ્લામાં હજુ પણ ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળી રહ્યું છે. જ્યારે આગામી અઠવાડિયા સુધી આ ઠંડીમાં વધઘટ થવાની શક્યતાઓ પણ છે. જેને લઇને તકેદારીના ભાગ રૂપે રાજકોટ જિલ્લાની તમામ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય સવારની પાળીમાં 8 વાગ્યા બાદ જ શરૂ કરવાની મુદત છે. તેને આગામી તારીખ 27મી જાન્યુઆરી સુધી લંબાવવાની મુદતમાં વધારો કર્યો તેથી શાળા સાથે બાળકોને પણ રાહત મળી રહે.