રાજકોટ : ધોરાજી તાલુકાના નાનીમારડ ગામના એક યુવક અને પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસ કર્મી વચ્ચે કોઈ કારણોસર બબાલ સર્જાય હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઝપાઝપીનો વીડિયો વાયરલ થયા બાદ હાલ બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે મહિલા પોલીસ કર્મીએ નિવેદન આપ્યું છે કે, ગામના બુટલેગરને ટોકતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
સામસામે ફરિયાદ : પાટણવાવ મહિલા પોલીસ કર્મી હીના કોડિયાતરની બહેન જલ્પાબેન વિરાભાઈ કોડિયાતરે ગામના રાજદીપસિંહ રામદેવસિંહ જાડેજા નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જ્યારે સામે ગામના રાજદીપસિંહ રામદેવસિંહ જાડેજાએ મહિલા પોલીસ કર્મી હીનાબેન કોડિયાતર તેમની બહેન જલ્પાબેન કોડિયાતર અને તેમના ભાઈ હિતેશ કોડિયાતર સામે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
વાયરલ વિડીયોમાં શું છે ? આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હીના કોડિયાતર નાનીમારડ ગામની વતની છે અને પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. હીના કોડિયાતર તેમના જ ગામના એક વ્યક્તિ સાથે ઝપાઝપી અને બબાલ કરતી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આ મહિલા પોલીસ કર્મી અને તેમના જ ગામના રાજદીપસિંહ જાડેજા નામના વ્યક્તિ વચ્ચે મારામારીના દ્રશ્યો સાફ જોઈ શકાય છે. ઝપાઝપીમાં બંને પક્ષોને સામસામે ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ બનાવ બાદ બંને પક્ષો તરફથી સામસામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
મહિલાની ફરિયાદ : મહિલા પોલીસ કર્મીની બહેન જલ્પાબેન હીરાભાઈ કોડિયાતરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કે, તેમના ગામનો રાજદીપસિંહ રામદેવસિંહ જાડેજા તેની સામે સીન નાખતો હતો. આ બાબતે તેની બહેન હિના તેને સમજાવવા ગઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે જપાજપી થઈ હતી.
રાજદીપસિંહ ફરિયાદ : બીજી બાજુ ગામના રાજદીપસિંહ રામદેવસિંહ જાડેજાએ મહિલા પોલીસ કર્મી તેમજ તેમની બહેન અને તેમના ભાઈ સામે પાટણવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આ મહિલા પોલીસ કર્મી તેમની પાસે આવી જપાજપી કરવા લાગી અને જેમ ફાવે તેમ ગાળાગાળી કરી હતી. મારો ભાઈ દારૂ વેચે છે અને વહેંચવાનો છે તેવું કહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે.
પોલીસની કાર્યવાહી : પોલીસ તપાસ હાલ સમગ્ર બાબતે પાટણ પોલીસે બંને પક્ષોની ફરિયાદ દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ બનાવમાં પાટણવાવ પોલીસે રાજદીપસિંહ રામદેવસિંહ જાડેજા સામે IPC કલમ 323, 354, 504 તથા GP એકટ 135 મુજબ ફરિયાદ દાખલ કરી છે. જ્યારે હીનાબેન કોડીયાતર તેમની બહેન જલ્પાબેન કોડીયાતર અને તેમના ભાઈ હિતેશ કોડીયાતર સામે IPC કલમ 323, 504, 337, 114 મુજબ ગુનો દાખલ કર્યો છે.
હાથીના દાંત સમાન મામલો : આ બનાવની અંદર હકીકતમાં કોણ દારૂ વેચે છે અને કોણ દાદાગીરી કરે છે તે મોટો પ્રશ્ન છે. તે મામલે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અથવા સ્થાનિક પોલીસ જો તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરે તો કંઈક અજુગતું જ ખુલે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. ત્યારે નાનીમારડ ગામે થયેલી આ બવાલને લઈને ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે અંગત બાબતની અદાવતને અલગ રૂપ આપવામાં આવ્યું હોવાની ભારે ચર્ચાઓ સમગ્ર ગામ વિસ્તારની અંદર શરૂ થઈ છે.