રાજકોટ: ઉપલેટા શહેરમાં સિક્કા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવ માટે આયોજકો, સેવકો અને સહયોગીઓ દ્વારા સ્ટેશનરીની વસ્તુઓની મદદથી બનાવવામાં આવતા આ ગણપતિ અનોખા ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે. આ ગણપતિને જોવા અને ઉત્સવમાં સામેલ થવા માટે સૌ કોઈ લોકો ઉમટી રહ્યા છે.
'છેલ્લા ઘણા વર્ષોથી ઉપલેટા શહેરના સિક્કા ગ્રુપ દ્વારા આયોજિત આ ગણપતિ ઉત્સવમાં સેવા પૂજા અને સહયોગ આપે છે. આ ગણપતિની મૂર્તિ બાળકોને શિક્ષણમાં ઉપયોગી સ્ટેશનરીની વસ્તુઓ જેવી કે પેન્સિલ, રબ્બર, કલર સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી એક અનોખા ગણપતિ બનાવાઈ છે. આ મૂર્તિ બનાવવામાં સ્ટેશનરી વસ્તુઓ બનાવતી કંપની ડોમ્સ તેમને પૂરતો સાથ અને સહકાર આપે છે. મૂર્તિ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી તમામ સ્ટેશનરીની વસ્તુઓ વિનામૂલ્યે આપી અને આ ગણપતિમાં સહભાગી બને છે. આ ગણપતિ મહારાજને જોવા અને અહીંયા ઉજવવામાં આવતા ઉત્સવોમાં લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે.' -હરિભાઈ સુવા, સદસ્ય, સિક્કા ગ્રુપ-ઉપલેટા
શિક્ષણને લગતી સ્ટેશનરી: ભાદરવા સુદ ચોથથી ઠેર-ઠેર ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગણપતિ ભગવાનની સ્થાપના કરી વિવિધ ઉત્સવો તેમજ ઉજવણી કરવામાં આવતી હોય છે. આવી જ રીતે ઉજવણી રાજકોટના ઉપલેટા શહેરમાં સિક્કા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ અન્ય ગણપતિ કરતા આ ગણપતિ ભગવાનની મૂર્તિ અનોખી અને ઇકો ફ્રેન્ડલી છે. કારણ કે આ ગણપતિની મૂર્તિ પ્રથમ ઘાસથી બનાવવામાં આવે છે. બાદમાં તેના ઉપર શિક્ષણને લગતી સ્ટેશનરીની વસ્તુઓ લગાવીને વિશેષ રીતે સુશોભિત કરવામાં આવે છે. આ ગણપતિને જોવા માટે અને ઉત્સવમાં સામેલ થવા માટે ઉપલેટા તેમજ આસપાસના પંથકના ભક્તજનો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે.
સ્ટેશનરીની વસ્તુઓ જરૂરિયાતમંદ: અહીંયા આયોજકો દ્વારા ઉત્સવ ઉજવણી માટે જે ગણપતિની મૂર્તિ બનાવવામાં આવે છે. તે મૂર્તિ વિસર્જન બાદ તેમાંથી નીકળતી શિક્ષણને લગતી સ્ટેશનરીની વસ્તુઓ જરૂરિયાતમંદ તેમજ ખાસ કરીને ઉપલેટા શહેર તેમજ તાલુકા વિસ્તારના સરકારી શાળાના વિદ્યાર્થીઓને પ્રસાદી સ્વરૂપે આપી દેવામાં આવે છે. ત્યારે ગણપતિ ઉત્સવમાં સામેલ થવા અને ગણપતિ દાદાના દર્શન કરવા માટે સૌ કોઈ લોકોને અને ખાસ કરીને બાળકોને સામેલ થવા આયોજકો અને સેવકો દ્વારા ખાસ આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.
વિવિધ કાર્યક્રમો: ઉપલેટાના સિક્કા ગ્રુપ દ્વારા આયોજિત આ ગણપતિ ઉત્સવમાં ઉત્સવ દરમિયાન રોજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં બાળકો માટે ખાસ કરીને મટકી ફોડ સ્પર્ધા, આરતીની ડીશ બનાવવાની સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ સાથે અહીંયા ઉત્સવ દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા, અમરનાથ શિવલિંગના દર્શન, ભજન-કીર્તન સહિતના અનેક ધાર્મિક આયોજન પણ વિશેષ રીતે અહીંયા કરવામાં આવે છે. આ ઉત્સવના તમામ દિવસો દરમિયાન ઉપલેટા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ભક્તજનો, શ્રદ્ધાળુઓ અને ખાસ કરીને બાળકો આ ગણપતિ દાદાના દર્શન કરવા માટે ઉમટી પડે છે.