રાજકોટ: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ ઠેર-ઠેર વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. સવારથી બપોર સુધી રાજકોટ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.
માર્કેટિંગ યાર્ડમાં અસરઃ જેમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પડેલી ખેત પેદાશો પલડી ગયેલ હોવાનું સામે આવ્યું છે. સાથે જ માર્કેટ યાર્ડમાં નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. આ પહેલા પણ આ પ્રકારની બેદરકારી સામે આવતા ખેડૂતોની જણસી ભીની થઈ જતા આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.
તંત્રની બેદરકારી: વર્તમાન સમયમાં ઘઉં, ચણા, ધાણા સહિતના પાકો તૈયાર થઈ ગયા છે. પશુઓ માટેનો ચારો પણ ખુલ્લા ખેતરમાં પડ્યો હોય છે તે પણ પલડી ગયો હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. જેતપુરમાં ધોધમાર વરસાદ વરસતા ઘઉં, ચણા, ધાણા સહિતના પાકોમાં નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. આ સાથે માર્કેટિંગ યાર્ડમાં તંત્રની બેદરકારી હોવાનું પણ સામે આવ્યું છે. આ પછી પણ તંત્રએ કોઈ પ્રકારનું ધ્યાન ન આપતા ફરી એકવખત બુધવારે આ જ સ્થિતિનું પુનરાવર્તન થયેલું છે.
આ પણ વાંચો Rajkot Lawyers strike : શહેરમાં વકીલોની હડતાળથી કોર્ટે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા
ખેડૂતોને નુકશાન: રાજકોટ જિલ્લામાં અનેક જગ્યાઓ પર છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ સર્જાઇ રહ્યું છે જેને લઈને આ વિસ્તારોમાં વાજગીજ સાથે વરસાદ વરસ્યો હતો. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં ઉભા પાકને ભારે વરસાદથી નુકસાન પહોંચ્યું છે. કપાસ, જીરૂના ઉભા પાકનો સોથ વાળી દીધો છે. જીરાનો પાક સંપૂર્ણ તૈયાર થઈ જતા અને તેના પર વરસાદ પડતા ખેડૂતોમાં દોડધામ થઈ છે.
આ પણ વાંચો Rajkot News : ઓરિસ્સાથી ભાગેલા યુવાને રાજકોટ રેલવે પોલીસે પરિવારને પરત સોંપ્યો
સામાન્ય નુકશાન: વરસાદને પગલે જેતપુર માર્કેટીંગ યાર્ડમાં પણ ખુલ્લા મેદાનમાં રહેલ જણસી પલળી હતી. યાર્ડમાં ઘઉં, ધાણા, મરચા, જેવા પાકો પલળ્યો હતો. જ્યારે ઘઉં અને ધાણાના પાકમાં સામાન્ય નુકશાન થયું હતું. નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહી હોવા છતાં ખુલ્લા મેદાનમાં મરચાનો પાક ઉતાર્યો જેને પગલે મરચાનો પાક પલળતા ખેડૂતોને નુકશાન પહોચ્યું હતું.