રાજકોટ : ધોરાજીના જેતપુર રોડ પર આવેલ સ્વાતી ચોકથી લઈને અવેડા ચોક સુધી નવો રસ્તો બની રહ્યો છે. જુનો રસ્તો ખોદીને નવો RCC રોડ બનાવવા માટેની કામગીરી છેલ્લા ઘણા સમય પહેલા શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી શરૂ થયાને અંદાજે બે મહિના જેવો સમય વીતી ગયેલ છે. છતાં પણ હજુ સુધી આ રસ્તાનું કામ પૂર્ણ થયું નથી. જેથી સ્થાનિકો અનેક મુશ્કેલી વેઠી રહ્યા છે.
વ્યાપાર-ધંધા હાલ ઠપ્પ : નવા બનતા રસ્તાના કામને કારણે આ વિસ્તારના નળ કનેકશન, ભૂગર્ભ ગટરલાઈન ખોદી નાખવામાં આવી છે. જેથી અહીંયા સ્થાનિક લોકોને તથા સ્થાનિક વેપારીઓને પરેશાન થયા છે. છેલ્લા બે માસથી અનેક પ્રકારની તકલીફો અને સમસ્યાઓ સહન કરવી પડી રહી છે. આ વિસ્તારના વ્યાપાર-ધંધા હાલ ઠપ્પ થઈ ગયા હોવાનું વ્યાપારી જણાવી રહ્યા છે.
ગોકળગાયની ગતિએ આ રસ્તાનું કામ થઈ રહ્યુ છે. જેના કારણે પાણી, ગટરની અનેક સમસ્યાનો ઉદ્ભવી રહી છે. બે મહિનાથી અમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. આ સમસ્યા અંગે અનેકવાર અમે રજૂઆત પણ કરી છે. પરંતુ તંત્ર પણ અમારી ફરીયાદ સાંભળતી નથી. અમારે વારંવાર અનેક તકલીફોનો સામનો કરવો પડે છે.-- પાર્થ વઘસીયા (સ્થાનિક રહેવાસી)
અનોખો વિરોધ : આ બધી વ્યથાઓને લઈને સ્થાનિક મહિલાઓ, પુરુષ, બાળકો એકઠા થઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારના તમામ લોકોએ થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોની માંગ છે કે, આ ગોકળગાયની ગતિએ ચાલતુ કામ વેગ પકડે. પહેલા પાણીના કનેકશન, ભૂગર્ભ ગટરની ચેમ્બર તથા અન્ય રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવે. ત્યારબાદ તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.
તંત્રની બેદરકારી : આ ઉપરાંત પીવાના પાણી માટે પણ રહિશોને હેરાન પરેશાન થવું પડી રહ્યો છે. ભૂગર્ભ ગટરની ચેમ્બર જ તોડી નાખવામાં આવી છે. જેના કારણે આ બધી સમસ્યાઓ ઉદ્ભવી છે. આ વિસ્તારના સ્થાનિક મહિલાઓ ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે અહીંયાની સમસ્યાનું હજુ સુધી કોઈ નક્કર સમાધાન આવ્યું નથી. કોન્ટ્રાક્ટર તેમજ તંત્રની અણઆવડતના કારણે આ વિસ્તારના લોકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે.