રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે. યુવાધન નશીલા પદાર્થોના રવાડે ચડ્યું હોય તે પ્રકારની ઘટનાઓ પણ છાસવારે પ્રકાશમાં આવી રહી છે. એવામાં ફરી એક વખત રાજકોટમાંથી બે ઈસમો મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા છે. જેને રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યા હતા. આ ઈસમો ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા? તેમજ કોને આપવાના હતા આ તમામ બાબતોને લઈને સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ શરૂ કરી છે.
11.78 ગ્રામ મેફેડ્રોમ ડ્રગ્સ ઝડપાયું: આ મામલે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર જેડી ઝાલાએ વધારે વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ કર્મીઓ એવા ઇન્દ્રસિંહ જાડેજા અને હાર્દિકસિંહ પરમાર પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન તેમને બાતમી મળી હતી કે કુવાડવા રોડ નજીક બોમ્બે સુપર મોલ પાસે બે ઈસમો મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઊભા છે. જેના આધારે પોલીસ દ્વારા અહીંયા દરોડો પાડવામાં આવ્યો હતો અને બન્ને ઇસમોને ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી પોલીસે 11.78 ગ્રામ જેટલું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડ્યું છે. તેમજ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે પરંતુ રાજકોટમાં ડ્રગ્સ ઝડપવાની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.
બે ઇસમોને ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવ્યા: રાજકોટ એસઓજીએ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે સાજીદ જાહિદશા શાહમદાર અને રાહુલ સુખાભાઈ બારૈયા નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સાજીદ આ અગાઉ પણ ડ્રગ્સ અને ગોરખ ધંધાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. પોલીસે આ મામલે 11.78 ગ્રામ ડ્રગ્સ સહિત કુલ 1,52,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ આ બંને ઈસમોની પોલીસ દ્વારા વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ જથ્થામાં ઝડપાયેલા બે ઇસમોમાંથી એક ઈસમ અગાઉ પણ ડ્રગ્સના ગુન્હાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.