સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં મોટાભાગના વેપારીઓ દરરોજ મુંબઈ અને દિલ્હી સહિતના રાજ્યમાં વેપાર ધંધા માટે જાય છે. ત્યારે હાલ રાજકોટથી મુંબઈ માટે દરરોજ એક ફ્લાઇટ જાય છે. જે આગામી જુલાઈથી અઠવાડિયામાં ત્રણ દિવસ જ ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટીના આ નિર્ણયના કારણે રાજકોટથી અન્ય સ્થળોએ વેપાર ધંધા માટે જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાય હતા. જેને લઈને દિલ્હી ખાતે કેન્દ્રીય નાગરિક અને ઉડ્ડયનપ્રધાન હરદીપ પુરી સાથે રાજકોટના સાંસદ અને કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ મૂલાકાત કરી હતી.
તેમજ વેપારીઓ અંગેની ચિંતા વ્યકત કરી હતી. જે મામલે હરદીપ પુરી દ્વારા તાત્કાલિક જે તે અધિકારીને અઠવાડિયામાં ત્રણ દિવસ રાજકોટ મુંબઇની ફ્લાઇટ અંગેનો નિર્ણય કેન્સલ કરી દરરોજ મળે તે માટેની સૂચના આપી હતી. તેમજ આગામી દિવસોમાં રાજકોટથી મુંબઈ વચ્ચે વધુ એક 72 બેઠકવાળુ અને રાજકોટથી દિલ્હી વચ્ચે દરરોજ બે ફ્લાઇટ શરૂ કરવામાં આવે તે અંગેના પ્રયાસો હાથ ધર્યા છે.