રાજકોટ: કોરોના બાદ રાજ્યમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લાં થોડા સમયમાં રાજકોટમાં ઘણા યુવાનો હાર્ટ એટેકના કારણે મોત થયા છે. આજે વધુ બે યુવાનોના હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી છે. શહેરના મીરા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અને રૂખડીયા પરા વિસ્તારમાં રહેતા યુવાનના હાર્ટ અટેકથી મૃત્યું થયાં છે, જેને લઈને ફરી એકવાર શહેરભરમાં ચકચાર મચી ગઈ છે.
બે યુવકોના હાર્ટએટેકથી મોત: રાજકોટની મીરા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહેલો 20 વર્ષીય ગુરુપ્રસાદ ગેડિયા નામનો કામદાર આજે અચાનક કારખાનામાં ઢળી પડ્યો હતો અને બેભાન થઈ ગયો હતો, જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જોકે, તેને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યું નીપજ્યું હતું. તબીબોએ તેના મોતનું કારણ હાર્ટ એટેક બતાવ્યું હતું. આ ઉપરાંત શહેરના રૂખડીયાપરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય સુરેશ લોરીયા નામનો યુવાન પણ અચાનક પોતાના ઘરે બેભાન થઈ ગયો હતો. ત્યારે તેને પણ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને વધુ સારવાર મળે તે પહેલાં તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું, હોસ્પિટલના તબીબોએ રેશ લોરીયા નામના આ યુવાનના મોતનું કારણ પણ હાર્ટ એટેક જણાવ્યું હતું.
હાર્ટ એટેકના વધતા બનાવ: મહત્વપૂર્ણ છે કે, રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં 10 કરતાં વધારે યુવાનોના હાર્ટએટેકથી મોત થયા છે. ત્યારે આ મામલે હાર્ટ સ્પેશિયાલિસ્ટો માની રહ્યા છે કે, આધુનિક સમયમાં નાની વયના લોકોમાં સતત વધતો તણાવ, તેમજ ખાણીપીણીમાં બદલાવ અને જીવનમાં અનિયમિતત જોવા મળી રહી છે. જેના કારણે આ તમામ બાબતોની અસર હાર્ટ ઉપર પણ પડી રહી છે, અને નાની વયના લોકોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધ્યું છે. ઉલ્લેખનીય છે કે નાની વયના લોકોમાં હાર્ટ એટેક આવવાની ઘટના હાલ આરોગ્ય વિભાગ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.