રાજકોટ : ગ્રામ્ય SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે વીંછિયા તાલુકાના પાટીયાળી ગામે ધીરૂ તાવિયાની વાડીએ દરોડો પાડી વાડીના રહેણાંક મકાનની સામે ઢાળિયામાંથી ગેરકાયદે વાવેતર કરેલ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે કુલ 48.770 કિલોગ્રામ હતો અને જેની કિંમત રૂપિયા 4,87,740 થાય છે. પોલીસે હાલ ગાંજાના જથ્થા સાથે ધીરૂ તાવિયા (ઉં.વ.56)ની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
208 કિલો ગાંજો પકડી પાડ્યો : આ ઉપરાંત બીજા બનાવમાં જસદણ પોલીસ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે જસદણ તાલુકાના કોણીબા સીમમાં ધનજી કોતરાની વાડીએ દરોડો પાડી વાડીમાં ગેરકાયદે વાવેતર કરેલ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે કુલ 159.330 કિલોગ્રામ હતો, જેની કિંમત રૂપિયા 15,93,300 થાય છે. પોલીસે હાલ ગાંજાના જથ્થા સાથે ધનજી કોતરા (ઉં.વ.72)ની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલિસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી : આ સાથે રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા પણ રૂખડિયાપરા મફતિયાપરા પાસે રેલવે સ્ટેશન પાછળ ગાંજાના જથ્થા સાથે ઈસ્માઇલ શેખ (ઉં.વ.45)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની પાસેથી કુલ 3.382 કિલો ગાંજો મળી આવ્યો હતો અને સાથે બે મોબાઈલ સહિત કુલ 43,820 કિંમતનો મુદામાલ કબ્જે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલી ગાંજાની ખેતી કેટલા સમયથી કરતા હતા તેમજ તેઓ આ ગાંજાનો જથ્થો કોને આપતા હતા સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.