રાજકોટઃ નોવેલ કોરોના વાઇરસના અનુસંધાને સમગ્ર દેશમાં 3 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ 20 એપ્રિલથી ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત ઔદ્યોગિક એકમો તેમજ બાંધકામ સાઈટોને નક્કી કરેલા શરતો અને નિયમોને આધિન રહીને એકમો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ સંદર્ભે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના માર્ગદર્શન અન્વયે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની હદની બહાર આવેલી બાંધકામ સાઈટો અને ઔદ્યોગિક પ્રોજેક્ટો ભારત સરકારની દિશા-નિર્દેશો મુજબ તેનું પાલન કરે છે કે નહીં તેની ચકાસણી કરવા માટે 12 ટીમની રચના કરવામાં આવી છે.
1 ટીમમાં બે સભ્યો એમ કુલ 24 અધિકારીઓ દ્વારા ઔદ્યોગિક એકમોની તપાસણી કરવામાં આવશે. સમગ્ર ટીમનું સંચાલન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી.મોરી દ્વારા કરવામાં આવશે. તેમજ પ્રત્યેક ટીમ દ્વારા થયેલા ઔદ્યોગિક એકમ અને બાંધકામ સાઈટની ચકાસણીની યાદી રોજ સરખા ભાગે પુરી પાડવાની રહેશે. જે-તે એકમો કે સાઈટ પર ભારત સરકારના માપદંડોનું પાલન કરવામાં આવતું ન હોવાનું જણાય તો તાત્કાલિક ધોરણે સ્થળ પર જ સંબંધિત ઔદ્યોગિક એકમો અને બાંધકામ સાઈટ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.