રાજકોટ: રાજ્ય સરકારની વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવાની મોટી મોટી વાતો વચ્ચે રાજકોટમાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 19,323 જેટલા વિદ્યાર્થીઓ જે તે શાળામાં અભ્યાસ કરતા કરતા ત્યાંથી પોતાના LC લઇ લીધું છે. બીજી શાળામાં એડમિશન લીધું નથી એટલે કે આ વિદ્યાર્થીઓ દ્વારા ભણવાનું છોડી દેવામાં આવ્યું છે. જેમાં ધોરણ 1થી 8માં 9597 વિદ્યાર્થીઓ અને ધોરણ 9થી 12માં 9727 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. હાલ આ 19,323 બાળકો કઈ શાળામાં છે અથવા તો શું કરી રહ્યા છે. તેની એક પણ પ્રકારની માહિતી તંત્ર પાસે નથી. જ્યારે રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં 19,323 જેટલા બાળકો અભ્યાસ છોડી દેવાનું સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.
આ ખૂબ જ ચિંતાનો વિષય છે: આ સમગ્ર મામલે રાજકોટ શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે' જ્યારે વિદ્યાર્થીઓને શાળામાંથી ડ્રોપ આઉટની વાત સામે આવે તો આજે જે વિગતો સામે આવી છે. જેમાં સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે કે રાજકોટ જિલ્લામાં 19 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ શાળાઓમાંથી ડ્રોપ આઉટ લીધું છે. જ્યારે આવા વિદ્યાર્થીઓ નું ડ્રોપ આઉટ પાછળના કારણો સામાજિક આર્થિક અને શૈક્ષણિક અને કૌટુંબિક સહિતના હોઈ શકે છે. એમાં પણ જો આ સરકારી આંકડા હોય તો તે ખરેખર ખૂબ જ ચિંતાજનક કહી શકાય છે. એવામાં આ મામલે સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ તેમજ રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગની સાથે રહીને આ તમામ વિદ્યાર્થી ડ્રોપ આઉટ ના કારણો જાણીને આગામી દિવસોમાં કાર્યવાહી કરશે.
આ પણ વાંચો Rajkot News : મુખ્યપ્રધાન સફાઈ અભિયાન શરૂ કરાવીને નીકળ્યા બાદ બાલાજી મંદિર વિવાદમાં
કામગીરી કરશે: ડીવી મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે 'ખરેખર અને ટ્રેક ની બાબતમાં જો વાત કરવામાં આવે તો કોઈપણ વિદ્યાર્થીનું ટ્રેકિંગ થઈ શકે છે. જેમાં રાજ્યના કમાન્ડ એન્ડ કંટ્રોલ માં દરેક વિદ્યાર્થીની હાજરી ઓનલાઈન ભરવામાં આવતી હોય છે. જેમાં સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળા અને સ્વનિર્ભર શાળા આ તમામ શાળાઓના વિદ્યાર્થીઓની હાજરી ભરવામાં આવતી હોય છે. જેને લઈને આપણે ક્યાં વિદ્યાર્થીઓ દ્વારા ડ્રોપ આઉટ કરવામાં આવ્યું છે. તે તમામ બાબતોની વિગતો લઈ શકીએ છીએ. તેમજ આવા વિદ્યાર્થીઓને કુટુંબ અને તેના પરિવારજનોને સંપર્ક કરીને આ પાછળના કારણો પણ જાણી શકાય છે. આ પ્રકારના વિષયમાં સરકારી તંત્ર સાથે સ્વનિર્ભર શાળા મંડળ પણ તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છે. જેમાં અમારા શિક્ષકો ની ટીમ આવા વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાવશે. તેમજ આ વિદ્યાર્થી ફરી શિક્ષણ કાર્યમાં જોડાય તે અંગેની કાર્યવાહી કરવામાં આવશે.