રંગીલા રાજકોટમાં રીક્ષામાં બેસાડીને લૂંટ ચલાવાતી હોવાની ઘટના ફરી સામે આવી છે. રાજકોટમાં 18 ફેબ્રુઆરીના ખોડાભાઈ રેયાભાઈ પાંચિયા નામના વૃદ્ધને એક રીક્ષા ચાલકે ભૂતખાના ચોકેથી બેસાડીને ચા પીવડાવી હતી. આ ચામાં રીક્ષા ચાલકે કેફી પદાર્થ ભેળવ્યો હોવાથી રિક્ષામાંજ વૃદ્ધ બેભાન થઈ ગયા હતા. જેનો લાભ લઈને રીક્ષા ચાલકે વૃદ્ધે પહેરેલા સોના-ચાંદીના અને રોકડ 2 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આ રીક્ષા ચાલક વૃદ્ધને બેભાન અવસ્થામાં રાજકોટના પીડીએમ કોલેજ નજીક ઉતારીને નાસી છૂટ્યો હતો. જો કે રસ્તા પર બેભાન વૃદ્ધને જોઈને જાગૃત નાગરિકે 108ને ફોન કરી જાણ કરી હતી.
ત્યારબાદ આ વૃદ્ધને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પરંતુ વૃદ્ધની હાલત નાજુક જણાતા વૃદ્ધના પરિજનોએ તેમને પોતાના વતન મોરબી ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ચાર દિવસ બાદ વૃદ્ધ ભાનમાં આવ્યા હતા. તેમજ વૃદ્ધની તબીયત સારી થતા તેમને રાજકોટમાં રીક્ષા વાળા દ્વારા કરવામાં આવેલા લૂંટ અંગેની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવી હતી.
જે અંગે પોલીસ દ્વારા સઘન તપાસ કરાઈ હતી. તેમજ રાજકોટ શહેરમાં લાગેલા અલગ-અલગ CCTV કેમેરા ચેક કર્યા હતા. જેમાં રીક્ષા જોવા મળી હતી ત્યારે પોલીસે રીક્ષાનંબરના આધારે આરોપી સુધી પહોંચ્યા હતા. ભક્તિનગર પોલીસે લૂંટના આરોપી ભાભળું ઉર્ફ રમેશ ભુપતભાઇ સોલંકી તેમજ તેની સાથે એક સગીર વયના 4 આરોપીને ઝડપી પડ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ બંને આરોપીઓએ 8 જેટલી આ પ્રકારની લૂંટ ચલાવી છે.