રાજકોટ : રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગઇકાલે મોડી રાતે તૌફીક વજગરા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. શહેરના સીતાજી ટાઉનશિપ ખાતે આ હત્યાનો બનાવ બન્યો છે. આ યુવાનને ત્રણ જેટલા શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આશાસ્પદ યુવકની હત્યા : સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલી સીતાજી ટાઉનશીપ ખાતે રહેતા પાડોશી એકબીજા સાથે કોઈ કારણોસર ઝઘડો કરી રહ્યા હતા. એવામાં તૌફીક વજગરા નામક યુવક ઝઘડો રોકવા માટે વચ્ચે પડ્યો હતો. જે દરમિયાન આનંદ પરમાર, અભિષેક અઘેરા અને અક્ષયે નામના ત્રણ શખ્સોએ તૌફીક સાથે ઝગડો કર્યો હતો. અચાનક ઉશ્કેરાઈને આ ઈસમોએ યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવક ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સામાન્ય ઝઘડો હત્યામાં પલટાયો : ઈજાગ્રસ્ત યુવકને સારવાર મળે તે પહેલાં જ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. મારામારીનો સમગ્ર બનાવ હાલ હત્યામાં પલટાયો છે. આ મામલે પોલીસને જાણ થતાં તાકીદે કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ આ સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.
ઘટના CCTV કેમેરામાં કેદ : તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હત્યા નીપજાવનાર પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી બે આરોપી ઝડપાઈ ચૂક્યા છે. તેમજ વધુ ત્રણ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતક તૌફીક શહેરના પુનીતનગર નજીક કાર રીપેરીંગનું કામ કરતો હતો. તેમજ સીતાજી ટાઉનશીપમાં ઝઘડો થતાં તૌફીક પાડોશીઓને સમજાવવા માટે ગયો હતો. જેમાં ત્યાં હાજર ઈસમોએ તેના પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના CCTV ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે. જેના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.