- રાજકોટ AIIMSના પ્રથમ શૈક્ષણિક સત્રનો આજથી થયો પ્રારંભ
- રાજકોટ ખાતે AIIMS માટેની મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી
- જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ખાતે આગામી વર્ષ 2022 સુધીમાં AIIMS તૈયાર થશે
રાજકોટઃ ગુજરાતમાં પ્રથમ AIIMS સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટને મળી છે. શહેરના જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ખાતે આગામી વર્ષ 2022 સુધીમાં AIIMS તૈયાર થઈ જશે. જ્યારે રૂપિયા 1,200 કરોડના ખર્ચે આ AIIMSનું નિર્માણ કરવામાં આવશે. ત્યારે AIIMS મેડિકલ કોલેજના પ્રથમ શૈક્ષણિક સત્રને સોમવારથી શરૂ કરવામાં આવ્યું છે. જેનું કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના મહાનુભાવો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.
શૈક્ષણિક સત્રની પ્રથમ બેચમાં 50 વિદ્યાર્થીઓ
હાલ AIIMS નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ AIIMS નિર્માણ થાય તે પહેલા જ રાજકોટ ખાતે AIIMS માટેની મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી છે. જેના માટેની બેઠક વ્યવસ્થા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ પૂરતી રાખવામાં આવી છે. જ્યારે AIIMSનું નિર્માણ થશે. ત્યારે આ મેડિકલ કોલેજને ત્યાં ટ્રાન્સફર કરવામાં આવશે. AIIMS માટે હાલ MBBSમાં 50 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે. જ્યારે આ વિદ્યાર્થીઓને ભણાવવા માટે 17 પ્રોફેસરની નિમણૂક કરવામાં આવી છે.
રૂપિયા 1,200 કરોડના ખર્ચે તૈયાર થશે રાજકોટ AIIMS
ગુજરાતમાં એક માત્ર AIIMS રાજકોટ ખાતે બનવા જઇ રહી છે. ત્યારે રાજકોટના પરાપીપડીયા ખાતે અંદાજીત 200 એકરમાં રૂપિયા 12 કરોડના ખર્ચે AIIMSનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જ્યારે વર્ષ 2022 સુધીમાં AIIMS સંપૂર્ણ તૈયાર થઈ જશે. જેનો ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરના દર્દીઓને લાભ મળશે. જ્યારે ગુજરાતના લોકોને મોટી સર્જરી માટે રાજ્ય બહાર જવું પડશે નહીં.