રાજકોટઃ દિવાળી પર્વની ઉજવણી દરમિયાન લોકો આઉટિંગ, વન ડે, 2-3 ડેઝ પિકનિકનું આયોજન કરતા હોય છે. આવા આયોજનમાં શહેરથી દૂરના કુદરતી વાતાવરણ ધરાવતા સ્થળોને પ્રાધાન્ય આપવામાં આવે છે. આવા નિર્જન અને કુદરતી સ્થળો પર ક્યારેક દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. આવી જ એક દુર્ઘટના રાજકોટના બે તરુણો સાથે ઘટી છે. આ કરુણ ઘટનામાં બંને તરુણો ડૂબીને મૃત્યુ પામ્યા હતા.
સમગ્ર ઘટનાક્રમઃ રાજકોટમાં રહેતા 4 પરિવારો પોતાના બાળકો સાથે શહેરના કુવાડવા ગામે નજીક ડેરોઈ ગામે દિવાળીની ઉજવણી માટે આવ્યા હતા. અહીં તળાવ કિનારે સૌ નાસ્તો કરવા બેઠા હતા. નાસ્તા બાદ જ સૌથી પહેલા જશ્મિન નિલેશભાઈ સોરઠિયા તળાવમાં હાથ ધોવા ગયો હતો. તે અચાનક જ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો. જશ્મિનને પાણીમાં તણાતો જોઈને દર્શિત અશ્વિનભાઈ પાનસુરિયા પાણીમાં પડ્યો. તે પણ જશ્મિનની જેમ તણાવા લાગ્યો હતો. આ બંનેની સ્થિતિનો ખ્યાલ આવતા જ નંદન નામક મિત્ર પાણીમાં કુદી પડ્યો. તેણે બંને મિત્રોને પાણીમાંથી બહાર કાઢ્યા. આ બંને ડૂબેલા મિત્રો બેભાન હતા તેમણે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં ફરજ પરના હાજર તબીબે આ તરુણોને મૃત જાહેર કર્યા હતા. અલગ અલગ પરિવારના બે તરુણોના મૃત્યુથી માત્ર પરિવારોમાં જ નહીં પણ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મૃતક વિશેઃ કુવાડવા પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર દર્શિત અને જશ્મિનની સાથે નંદન અને તીર્થ પરિવાર સહિત દિવાળીની ઉજવણી માટે ડેરોઈ ગામ ખાતે આવ્યા હતા. મૃતક દર્શિત 15 વર્ષનો હતો અને 9મુ ધોરણ ભણતો હતો. તેને એક મોટી બહેન અને મોટો ભાઈ છે. તેના પિતા અશ્વિનભાઈ યાર્ડમાં પેઢી ધરાવે છે. જ્યારે મૃતક જશ્મિન 17 વર્ષનો હતો અને 11મુ ધોરણ ભણતો હતો. તેને એક નાની બહેન અને નાનો ભાઈ છે. જશ્મિનના પિતા નિલેશભાઈ બાંધકામ ક્ષેત્રે જોડાયેલા છે.