રાજકોટ: ઉપલેટા શહેરમાં મોજ નદી પર આવેલ ભુતડા દાદાના મંદિર તરફ જવાના રસ્તા તરીકે ઓળખાતો કોઝવે છેલ્લા પાંચ વર્ષથી તૂટેલી હાલતમાં હોવાની વિગતો સામે આવી છે ત્યારે અહીંયાથી અંદાજિત 250 જેટલા ખેડૂતો આવન-જાવન તેમજ પોતાના ખેતીકામ અર્થે પસાર થતા હોવાથી તમામને જીવના જોખમે તેમજ મુશ્કેલીઓ વેઠીને પસાર થવું પડે છે તેવું જણાવવામાં આવ્યું છે.
ઉપલેટા મોજ નદી પરના આ કોઝવે અંગે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે પાંચ વર્ષ પહેલા બનેલો હતો અને માત્ર છ મહિનામાં જ તૂટીને તણાઈ ગયો હોવાનું અહીંયાના ખેડૂતોએ જણાવ્યું હતું ત્યારે આ બાબતે ETV ભારતના સંવાદદાતા અહીંયાના ખેડૂતો તેમજ અહીંયાથી પસાર થતા રાહદારીઓની સમસ્યાઓ જાણવા અને તેમની માંગણીઓ અને તેમની રજૂઆતો સંભાળવા આ તૂટેલા કોઝવે પર પહોંચ્યા હતા.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ આ કોઝવે માત્ર છ મહિનાની અંદર જ તૂટી ગયો છે અને છેલ્લા પાંચ વર્ષથી તેઓ જીવના જોખમે અથવા તો અન્ય બીજા દૂર-દૂરના કાચા રસ્તાઓ મારફત ખેતી કામ તેમજ ખેતીની ઉપજો લઈને નીકળવા માટે મજબૂર બન્યા છે ત્યારે તેઓની આ સમસ્યાને લઈને ખેડૂતોએ અનેક વખત લેખિત અને મૌખિક સહિતની તમામ રજૂઆત કરી હોવાનું પણ અહીંયાના સ્થાનિક ખેડૂતોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું અને આ રસ્તાની તંત્ર દ્વારા કોઈપણ જાતની સાર સંભાળ લેવામાં નથી આવતી ત્યારે ખેડૂતોને પોતાનો આ માર્ગ જાતે રીપેર કરી અને રસ્તો પોતાના સ્વખર્ચે બનાવવા પડે છે તેવું પણ ખેડૂતોએ જણાવ્યું હતું.
ઉપલેટા શહેરના મોજ નદી પર આવેલા ભુતડા દાદાના મંદિરના રસ્તા તરીકે જાણીતા આ કોઝવે પર 250 જેટલા ખેડૂતો તેમજ રાહદારીઓ માટેનો આ રસ્તો છે જેમાં પ્રથમ વરસાદ બાદ જ નવો બનાવેલ પુલ તૂટી ગયો હતો ત્યારથી આ પુલ તૂટ્યા બાદ કોઈપણ તંત્ર પુલની દેખરેખ કે સંભાળ અને પુલની વર્તમાન પરિસ્થિતિ અંગે જાણવા નથી આવ્યું કે જોવા પણ નથી આવ્યો તેવું પણ સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું.
ખેડૂતો પોતાનો આ માર્ગ વર્ષો રૂપિયા 50 થી 70 હજાર રૂપિયા એકત્ર કરી બનાવતા હોવાનું પણ આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું જો હાલ અહીયાના ખેડૂતોએ આ બાબતે પુલ પર એકત્ર થઈ રામધૂન બોલાવી અને “ખેડૂતો માટેનો રસ્તો ચાલુ કરો” અને “ભ્રષ્ટાચાર કરી બનાવેલ રસ્તાને પુનઃ શરૂ કરો” જેવા સૂત્રોચાર સાથે માંગ અને રજૂઆત કરી મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને મતનો પણ બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.