રાજકોટઃ રાજ્યમાં હાલમાં પોલીસ ખાતામાં પોલીસ સબ ઇન્સપેક્ટર અને કોન્સ્ટેબલ સહિતના પદો માટે ભરતી(Police Recruitment) શરૂ છે. જ્યારે ઘણા બધા યુવાનો આ નોકરી મેળવવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. એવામાં રાજકોટની એક મહિલા તેમજ શખ્સ દ્વારા 12 જેટલા ઉમેદવારો આ ભરતી માટે રનિંગ કે લેખિત પરીક્ષા આપવી નહિ પડે અને સીધો જ જોઇનિંગ લેટર આવી જશે તેમ કહી વિશ્વાસમાં લઈને નાણાં (PSI Exam Scam in Rajkot) પડાવ્યા હતા. જો કે તાજેતરમાં PSIનું રિઝલ્ટ જાહેર થયું. એમાં આ 12 લોકોના નામ ન આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
એક મહિલા સહિત બે શખ્સોએ આચર્યું કૌભાંડ
રાજકોટની રહેવાસી મહિલા એવી ક્રિષ્ના ભરડવા અને જેનિસ પરસાણા નામના બન્ને આરોપીઓ દ્વારા 12 જેટલા અલગ અલગ લોકોને પોતાની પોલીસ ખાતામાં અધિકારીઓ સાથે સારી ઓળખાય છે અને આ ભરતી માટે કોઈએ રનિંગ કે લેખિત પરીક્ષા આપવી નહિ પડે અને સીધી જ તેમને નોકરી માટેનો ઓર્ડર આવી જશે તેવી વાત કરવામાં આવી હતી. તેમજ આ લોકોને વિશ્વાસમાં લઈને અલગ અલગ રૂપિયા પણ પડવામાં આવ્યા હતા. જ્યારે આ ભરતી માટેનું PSIનું પરીણામ જાહેર થતા જ સમગ્ર મામલો પોલીસ (Exam Scam Case in Rajkot) સમક્ષ આવ્યો હતો.
12 ઉમેદવારો પાસેથી કરી રૂપિયાની ઉઘરાણી
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ક્રિષ્ના ભરડવા નામની મહિલાએ આ ભરતીના ઉમેદવારોને પોતે વગદાર નેતાની ભત્રીજી હોવાની ઓળખ આપી હતી. તેમજ આ કૌભાંડમાં જેનિસ નામના શખ્સોએ પણ તેનો સાથે આપ્યો હતો. ભરતી થવા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અલગ અલગ રીતે અંદાજીત રૂ.15 લાખ પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે રાજકોટની ગાંધીગ્રામ પોલીસ (Gandhigram Police Exam Scam Complaint) મથકમાં ફરિયાદ નોંધાઇ છે. તેમજ પોલીસે આરોપી મહિલા અને એક શખ્સની ધરપકડ કરી છે.
PSIનું પરિણામ જાહેર થતા ભાંડો ફૂટ્યો
રાજ્યમાં પોલીસ ભરતીનું PSI માટેનું પરિણામ (Result of PSI Recruitment) ઓનલાઈન જાહેર થયું છે. જેમાં આ 12 ઉમેદવારોના નામ ન હતા. જેના કારણે આશિષ સિયારામ ભગત નામના ઉમેદવારને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું ખ્યાલ આવતા તે ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોતાની સાથે જે પણ બનાવ બન્યો હતો તે પોલીસને કહેતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. જ્યારે આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મહિલા ક્રિષ્ના ભરડવા અને જેનિસ પરસાણાંની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચોઃ 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે: જીતુ વાઘાણી