ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા ભારતીબેન દિલીપભાઈ વઘાસીયા તેઓના પતિને આત્મહત્યા કરવા મજબૂર કરનાર આરોપીઓ વિરૂદ્ધ નક્કર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ માટે અગાઉ તેમણે 20 દિવસ પહેલા આત્મવિલોપનની ચિમકી સાથેનો પત્ર કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ આપ્યો હતો પરંતુ, તંત્ર દ્વારા આ પત્રને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો.
મંગળવારે ભારતીબેન વઘાસિયાએ પ્રાંત કચેરીએ ઝેરી દવા પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તેમને તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ભારતીબેનને હોસ્પિટલ લઈ ગયા બાદ તેમના સંબંધી ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે 12-9-18ના દિને દિલીપભાઈ વઘાસિયાએ વ્યાજખોરોના ત્રાસથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાના આરોપીઓ મોટી વગ ધરાવતા હોવાથી ફરિયાદ નોંધાયા બાદ ફણ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ નથી. જેના કારણે આત્મવિલોપનનું પગલું ભરવાનો વખત આવ્યો છે.