ધનજી ઓડ ઉર્ફ ઢબૂડી છેલ્લા પાંચેક વર્ષથી ગાંધીનગરના રૂપાલ ગામમાં આ પ્રકારનું કામ કરતો હતો. તેમજ આસપાસના વિસ્તારવાસીઓ પણ તેને ઢબૂડી માતાના નામેં ઓળખતા હતા. સમગ્ર મામલો જ્યારે વિજ્ઞાન જાથાને ખબર પડ્યો ત્યારથી એટલે કે છેલ્લા 8 મહીનાથી વિજ્ઞાન જાથા આ બની બેઠેલા માતાને રંગેહાથે ઝડપી પાડવાની તૈયારીઓ કરીને બેઠું હતું. પરંતુ વિજ્ઞાન જાથા દરોડો પાડવાની જાણ એકમેક પ્રકારે ઢબૂડી માતાને થતા તેના દ્વારા મોરબી, સુરત અને મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કાર્યક્રમો રદ કરવા પડ્યા હતાં.
વિજ્ઞાન જાથાના સર્વેમાં પણ એ પણ બહાર આવ્યું છે કે, એક શહેરમાં એક કાર્યક્રમમાં ઢબૂડી માતા અને તેના સમર્થકો રૂપિયા 80 લાખથી માંડીને સવા કરોડ સુધીની કમાણી કરતા હતા. આ મામલે બોટાદના જ ઢબૂડી માતાના પૂર્વ ભક્ત દ્વારા પેથાપુર પોલીસ મથકમાં ઢબૂડી માતા વિરૂદ્ધ અરજી આપવામાં આવતા હાલ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. તેમજ યુવાન પુત્રને કેન્સર હોય તેઓ ઢબૂડી માતા પાસે બીમારીનો ઈલાજ કરાવવા માટે ગયા હતા. જ્યાં ઢબૂડી માતાએ તેને ડૉક્ટરોએ આપેલ દવા બંધ કરી આપવાનું કહેતા ભક્ત દ્વારા દવા બંધ કરવામાં આવી હતી. પરંતુ એક માસમાં જ આ ભીખાભાઇ મણિયાના યુવાન પુત્રનું અવસાન થયું હતું. જેને લઈને તેઓ વિજ્ઞાન જાથાનો સંપર્ક કરતા વિજ્ઞાન જાથાએ ભીખાભાઈની સાથે રહીને પોલીસ અરજી કરી હતી. હજુ પણ આ ઢબૂડી માતાનો શિકાર બનેલા ભક્તો વિજ્ઞાન જાથાના સંપર્કમાં છે. ત્યારે આગામી દિવસોમાં ધનજી ઉર્ફ ઢબૂડી માતાના નવા રહસ્ય ખુલે તો નવાઈ નહિ.