- ગોંડલ નેશનલ હાઈવે પર અજાણ્યા ઇસમો દ્વારા ST બસ અને ટ્રક પર પથ્થરમારો
- ટ્રક ડ્રાઇવરને માથાના ભાગે ઈજા પહોંચી
- ST બસના ડ્રાઈવર દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ
રાજકોટઃ ગોંડલ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ST બસ અને ટ્રક પર અજાણ્યા ઇસમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રક ડ્રાઇવરને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે બસમાં બેઠેલા પ્રવાસીઓ સલામત હોવાનું પણ સામે આવ્યું હતું. જ્યારે આ મામલે ST બસના ડ્રાઈવરે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે. પ્રાથમિક વિગતમાં સામે આવ્યું છે કે, પથ્થરમારો લૂંટના ઇરાદે કરવામાં આવ્યો હોઈ શકે છે.
ગોંડલ પોલીસ મથકમાં નોંધાઇ પોલીસ ફરિયાદ
ભિલોડાથી સોમનાથ રૂટની ST બસ ગોંડલથી પસાર થઈ હતી, ત્યારે ગોંડલ નજીક ST બસ તેમજ ટ્રક પર અચાનક અજાણ્યા ઇસમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી બસ અને ટ્રક થોડીવાર માટે રસ્તા પર ઉભા રહી ગયા હતા. આ ઘટનામાં ટ્રકચાલકના માથાના ભાગે ઇજા થઇ હતી, ત્યારબાદ પથ્થરમારાની ઘટના સામે આવતા ST ડ્રાઇવરે ગોંડલ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
લૂંટ કરવાના ઇરાદે પથ્થરમારો કરાયો હોવાની શંકા
રાત્રિના સમયે રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર અસામાજીક તત્વો દ્વારા બસ અને ટ્રક પર પથ્થરમારો કરવામાં આવતા થોડી વાર માટે હાઈવે પર ભયનો માહોલ સર્જાયો હતો. આ પથ્થરમારાની ઘટનામાં ટ્રક ડ્રાઇવરને ઈજાઓ થઇ હતી, પરંતુ તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જેની પ્રાથમિક તપાસ કરતા એવું પણ સામે આવી રહ્યું છે કે, લૂંટના ઇરાદે પથ્થરમારો કરવામાં આવ્યો હોઈ શકે છે.