- ગોમટા ગામમાં સ્વયંભૂ લોકડાઉન
- કોરોનાના 25 કેસ સામે આવતા કરાયો નિર્ણય
- માસ્ક અને સેનિટાઈઝર ઉપયોગ ફરજિયાત કરાયો
રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા ગામમાં કોરોનાના 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી ગોમટા ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલીક બેઠક બોલાવવામાં આવી હતી, આ મિટીંગમાં ગોમટામાં કોરોના વાઈરસના વધુ ના ફેલાઈ તે માટે ગોમટા ગામની તમામ દુકાનો સવારે 06 થી 09 અને સાંજે 06 થી 09 સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ આ મિટીંગમાં એ પણ જાહેર કરવામાં આવ્યું હતું કે ગામમાં દરેક વ્યક્તિએ માસ્ક અને સેનિટાઈઝરનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે.

આ પણ વાંચોઃ સાબરકાંઠાના કાણિયોલ ગામમાં લોકડાઉન જાહેર
જામવાડી ગામમાં આંશિક લોકડાઉન
ગોંડલને અડીને આવેલા જામવાડી ગામમાં સરપંચ લીના ટોળીયા દ્વારા મીટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં ઉપ સરપંચ વિનોદ મોણપરા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો અને આરોગ્યના અધિકારીઓ સહિત તલાટી કમ મંત્રી પણ હાજર રહ્યા હતા. તેમાં જામવાડી ગામમાં કોરોનાના સંક્રમણને પ્રસરતું અટકાવવા માટે આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની દુકાનો સવારે 06 થી 09 વાગ્યા સુધી અને સાંજના 05 થી 08 દરમિયાન ખુલ્લી રાખવામાં આવશે, સાથે એ પણ જણાવ્યું હતું કે, બહારગામ આવવા-જવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે. ગોંડલમાં તાલુકાના હડાળા ગામમાં પણ કોરોનાના કેસ આવતા લોકો દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ આણંદ જિલ્લાના વહેરાખાડી ગામમાં આજથી સ્વયંભૂ લોકડાઉન
બેઠકમાં ગોમટા ગામના આગેવાનો રહ્યા ઉપસ્થિત
ગોમટા ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલીક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગોમટા ગામના આગેવાનો તેમજ સરપંચ જસા ઝાપડા, તાલુકા ભાજપ પ્રમુખ યોગેશ કયાડા, સહકારી મંડળી પ્રમુખ બિપીન વાછાણી, પટેલ સમાજ પ્રમુખ પ્રવિણ વાછાણી, ઉપપ્રમુખ અતુલ ભાણવડીયા, દૂધ મંડળી પ્રમુખ રમેશ ઘેટીયા, ઉપસરપંચ પરેશ ભાણવડીયા અને મેડિકલ ઓફિસર ડોક્ટર યશપાલસિંહ રાઠોડ સહિતનાઓ હાજર રહ્યા હતા.