રાજકોટઃ રાજ્યભરમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આ માટે વિદ્યાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તેવામાં હવે રાજકોટમાં ધોરણ 10ના વિદ્યાર્થીને અછબડા થતાં પરીક્ષા કેન્દ્રમાં તેના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા શરૂ થતાં જ અનેક વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હોવાની અનેક ઘટના સામે આવી રહી છે.
આ પણ વાંચોઃ Board Exam 2023: કમરથી નીચેનો ભાગ ખોટો પડતા સ્ટેચર થકી પરીક્ષા ખંડ સુધી પહોંચી ઈશીતા
શાળાએ કરી અલગ વ્યવસ્થાઃ રાજકોટમાં જ પણ આ પ્રકારની ઘટના સામે આવી છે. અહીં ધોરણ- 10માં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીને પરીક્ષાના 2 દિવસ અગાઉ અછબડાં નીકળ્યા હતા. તેને લઈને આ વિદ્યાર્થીને શાળામાં પરીક્ષામાં કેન્દ્ર આવ્યું છે. તે શાળાએ આ વિદ્યાર્થી માટે એક અલગ બેઠક વ્યવસ્થા કરી હતી. આ વિદ્યાર્થી હાલ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી રહ્યો છે.
પરીક્ષાના 2 દિવસ પહેલાં નીકળ્યા અછબડાઃ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, રાજકોટની ભાગોળે આવેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને ધોરણ 10માં અભ્યાસ કરતા લક્ષ્ય મહેશભાઈ હડિયલ નામના વિદ્યાર્થીને પરીક્ષાના 2 દિવસ પહેલાં અછબડા નીકળ્યા હતા. આના કારણે તે બીમાર પડી ગયો હતો. જ્યારે આ વિદ્યાર્થીનો રાજકોટની શાસ્ત્રીનગર ખાતે આવેલી લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ધોરણ 10નું પરીક્ષાનું કેન્દ્ર આવેલું છે. ત્યારે આ વિદ્યાર્થી માટે શાળાએ અલગ બેઠક વ્યવસ્થા કરી હતી. આના કારણે હાલ આ વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યો છે. જ્યારે આ વિદ્યાર્થીને અછબડાં થયા હોવા છતાં તે મક્કમ મન રાખીને પરીક્ષા આપી રહ્યો છે. આના કારણે તેની સાથે પરીક્ષા આપી રહેલા અન્ય વિદ્યાર્થીઓમાં પણ તે પ્રેરણારૂપ બન્યો છે.
આ પણ વાંચોઃ Board Exam: ભરાડ સ્કૂલની ઘોર બેદરકારી, વિદ્યાર્થીઓને સમયસર સપ્લિમેન્ટ્રી ન મળતાં 25 માર્કનું છૂટી ગ્યું
કેન્દ્ર ખાતે અલગ વ્યવસ્થા ગોઠવી: આચાર્યઃ આ અંગે રાજકોટ લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલના આચાર્ય વિનોદ ગજેરાએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીને અછબડા નીકળ્યા છે. તેની જાણ અમને થઈ હતી. જ્યારે વિદ્યાર્થીને પણ પરીક્ષા આપવી હતી. તેના કારણે અમે વિદ્યાર્થી અને અન્ય તેની સાથે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેને ક્લાસમાં અલગ બેન્ચ ફાળવીને પરીક્ષાના પેપર લખવા દેવામાં આવી રહ્યા છે.