રાજકોટઃ રાજ્યમાંથી અવારનવાર ડ્રગ્સ પકડવાની અનેક ઘટનાઓ સામે આવે છે. ત્યારે હવે રાજકોટ એસઓજીને ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા મળી છે. એસઓજીએ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક ડ્રગ પેડલર યુવતીને પણ પકડી પાડી હતી.
ડ્રગ્સ પકડાતા ચકચાર મચીઃ રાજકોટ સહિત રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં રાજકોટ એસઓજીએ એક નામચીન ડ્રગ પેડલર યુવતીને એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડી છે. જ્યારે આ ડ્રગ્સ સાથે ઝડપાયેલી યુવતી અગાઉ પણ ડ્રગ્સ મામલે પોલીસ ચોપડે ચડી ચૂકી છે. તો હવે ફરી એક વખત ડ્રગ્સ સાથે ઝડપતા ચકચાર મચી છે.
આ પણ વાંચોઃ Ahmedabad Crime અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી, સારંગપુરમાંથી ઝડપાયો ડ્રગ પેડલર
ડ્રગ્સ સાથે ઝડપાઈ અમી સોલેરાઃ રાજકોટ એસઓજીને બાતમી મળી હતી કે, શહેરના બાલભવન નજીક એક યુવતી ડ્રગ્સના જથ્થા સાથે જઈ રહી છે. તેને લઈને અમી દિલીપભાઈ સોલેરા નામની યુવતી અહીંથી નીકળતા પોલીસે તેની પૂછપરછ કરી જડતી લીધી હતી. તે દરમિયાન તેની પાસેથી 12.36 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી વજનકાંટો, મોબાઈલ સહિત અંદાજિત 1,78,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમ જ આ યુવતીની વધુ પૂછપરછ શરૂ કરી છે.
અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુકી છે યુવતીઃ અગાઉ ડ્રગ્સ સાથે ઝડપાયેલી અમી સોલેરા વિરૂદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ એક્ટ કલમ 8સી 21એ અને 29 તથા પ્રોહિબિશન એક્ટ કલમ 66(1)બી અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ડ્રગ્સ વેચતા અને ખરીદતા ઈસમો વિરુદ્ધ પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ એસઓજીએ પણ એક નામચીન ડ્રગ્સ પેડલર યુવતીને ડ્રગ્સ સાથે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.