રાજકોટ : દેશમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગના પરિવાર માટે એક સારા સમાચાર છે. જેમાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 40 નો ઘટાડો નોંધાયો છે. હાલમાં બજારમાં નવી મગફળી આવી રહી છે. એવામાં સિંગતેલની માંગ પણ જોઈએ એવી નથી. જેના કારણે સિંગતેલના ભાવમાં છેલ્લા 3 દિવસમાં રૂપિયા 40 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે વેપારીઓના જણાવ્યા અનુસાર હજુ પણ સિંગતેલના ભાવમાં ઘટાડો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
સિંગતેલના ભાવ ઘટ્યા : દિવાળીના તહેવાર દરમિયાન સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે 15 લિટરનો ડબ્બો રુ. 3,000 ની સપાટીની આસપાસ પહોંચ્યો હતો. પરંતુ દિવાળીના તહેવાર પૂર્ણ થયા બાદ સિંગતેલના ભાવમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં સિંગતેલના ભાવમાં રુ. 90 નો ઘટાડો થયો છે. તેમજ છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 40 નો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સિંગતેલનો 15 લિટરનો ડબ્બો રુપિયા 2,585 ની સપાટી ઉપર છે.
ભાવ ઘટાડાનું કારણ : આ મામલે ખાદ્યતેલની એજન્સી ધરાવતા ભાવેશ પોપટે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે દિવાળી પહેલા તહેવારના કારણે સિંગતેલની માંગ વધી હતી. તેમજ દિવાળી પહેલા નવી મગફળી બજારમાં પિલાણ માટે આવી નહોતી. પરંતુ હાલ નવી મગફળી બજારમાં પિલાણ માટે આવી રહી છે તે સાથે જ તહેવારો બાદ સિંગતેલની માંગ ઘટી છે. જેના કારણે આ ભાવ ઘટાડો થયો હોવાની શક્યતા છે.
ભાવ હજુ ઘટશે ? વેપારીઓના જણાવ્યા અનુસાર હજુ પણ આગામી દિવસોમાં બજારમાં નવી મગફળી મોટા પ્રમાણમાં આવી રહી છે. જેના કારણે આગામી દિવસોમાં પણ સિંગતેલના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં રુ. 40 નો ઘટાડો જોવા મળ્યો છે. દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો હતો. પરંતુ હાલ સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળતા મધ્યમ વર્ગના પરિવારોને રાહત થઈ છે.