રાજકોટ: વિધિવત રીતે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. શ્રાવણ માસમાં શિવજીની પૂજાનું અનેરૂ મહત્વ છે અને આખો માસ શિવજીની પૂજા કરવામાં આવે છે. રાજકોટમાં અંદાજિત 500 વર્ષ કરતા પણ જુના રામનાથ મહાદેવ મંદિર ખાતે શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો શિવજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
" આજથી 100વર્ષ પહેલા રાજકોટમાં પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો હતો અને લોકોના એકાએક મોત થવા લાગ્યા હતા. જ્યારે તે સમયમાં એક માજી દ્વારા રામનાથ મહાદેવને સોના ચાંદીની મૂર્તિ ધરવામાં આવી હતી. આ મૂર્તિ જામનગરના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ સમયે રાજકોટમાં લાખાજીરાજ રાજાનું શાસન હતું. જ્યારે રાજકોટમાં પ્લેગના રોગના કારણે લોકોના મોત વધી રહ્યા હતા. જેના કારણે લાખાજીરાજ રાજા દ્વારા બ્રાહ્મણો પાસે સલાહ લેવામાં આવી હતી જેમાં બ્રાહ્મણોએ એવું સૂચન કર્યું હતું કે રામનાથ મહાદેવની પાલખી યાત્રા સમગ્ર રાજકોટમાં ફેરવવામાં આવે તો આ પ્લેગનો રોગ સંપૂર્ણ નાશ પામશે." - શાંતિગિરિ ગોસ્વામી, મહંત, રામનાથ મહાદેવ
આ વર્ષે 100મી પાલખી યાત્રા નીકળશે: જ્યારે લાખાજીરાજ રાજાએ ભગવાન રામનાથ મહાદેવની પાલખી યાત્રા પોતે ઉપાડી હતી અને આખા રાજકોટમાં તેને ફેરવવામાં આવી હતી. આ પાલખી યાત્રા રાજકોટમાં ફર્યા બાદ રાજકોટમાં હજુ સુધી પ્લેગનો રોગ આવ્યો નથી. રાજકોટમાં પ્લેગનો રોગ નાબૂદ થયા બાદ આ પાલકી યાત્રા દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન યોજાય છે અને આ વર્ષે 100મી પાલખી યાત્રા યોજાશે.
શિવજીનો અતિપ્રિય માસ: ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસ એ શિવજીનો અતિપ્રિય માનવામાં આવે છે. એવી માન્યતા છે કે શ્રાવણ માસમાં જે પણ લોકો દ્વારા ભગવાન શિવજીની પૂજા અને આરાધના કરવામાં આવે તો તે ભક્તોની મનોકામના પૂરી થાય છે. જેના કારણે શ્રાવણ માસમાં શિવભક્તો અચૂક મહાદેવના દર્શન કરવા જતા હોય છે.