રાજકોટ : આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવનાર છે. એવામાં લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં કોંગ્રેસ હવે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. જેમાં આજે રાજકોટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ બી એમ સંદીપ આવી પહોંચ્યા હતાં. જ્યારે અહીંયા તેમને રાજકોટ શહેર અને જિલ્લાના કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
ભાજપે વાયદા પૂરા નથી કર્યાં : આ સાથે જ મીડિયા સાથેની વાતચીતમાં બી એમ સંદીપ દ્વારા વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતાં. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર દ્વારા જે જે પણ વાયદો કરવામાં આવ્યો હતો તે હજુ સુધી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો નથી તેમ જણાવ્યું હતું. જ્યારે ગત ચૂંટણીઓની વાત કરવામાં આવે તો રાજકોટ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને 72 માંથી માત્ર ચાર બેઠક મળી હતી. તેમજ વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની આઠેય બેઠક પર ભાજપ જીત્યું હતું અને છેલ્લા ઘણા સમયથી લોકસભાની બેઠકમાં ભાજપના સાંસદ મોહન કુંડારિયા જીતતા આવ્યા છે. એવામાં ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ ફરી એક્ટિવ મોડમાં જોવા મળી છે.
પાંચ રાજ્યોમાં કોંગ્રેસની જીત થશે : રાજકોટમાં વાતચીતમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના ઇન્ચાર્જ બી એમ સંદીપે વધુમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન છેલ્લા ચાર મહિનાથી શરૂ થઈ ગયું છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી દરમિયાન જ્યારે હિમાચલ પ્રદેશ અને કર્ણાટક રાજ્યના ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારથી જ લોકસભાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આવનાર પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની પણ ગઈકાલે ઇલેક્શન કમિશન દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે. ત્યારે ભાજપના એક પણ રાષ્ટ્રીય કે પ્રદેશ નેતા એવું નથી કહી રહ્યાં કે અમે આ પાંચ રાજ્યોમાં બહુમતીથી જીતી રહ્યા છીએ. ભાજપ જૂઠ્ઠું બોલવામાં ખૂબ જ માહેર છે, છતાં પણ આ ચૂંટણીના પરિણામોને લઈને ભાજપ હવે જૂઠ્ઠું પણ બોલી શકતો નથી. તેવા રીઝલ્ટ આ પાંચ રાજ્યોમાં ડિસેમ્બર મહિનામાં આવનાર છે.
ભાજપને 2014માં પણ અનેક વાયદાઓ કર્યા હતાં : બીએમ સંદીપે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષ કરતા વધુ સમયથી ભાજપની સરકાર છે. ત્યારે દેશમાં રહેતા લોકો પણ જોઈ રહ્યા છે સરકાર દ્વારા કેટલું બધું જૂઠ્ઠું બોલવામાં આવ્યું છે અને હવે આ લોકો પણ જુઠ્ઠાણાંથી થાકી ગયા છે. જ્યારે ભાજપ સરકાર દ્વારા વર્ષ 2014ની ચૂંટણીમાં દેશમાં 2 કરોડ નોકરીની વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ નોકરી આપવાની વાતતો ઠીક પણ જે લોકોની નોકરી છે તેઓની પણ નોકરી જઈ રહી છે.
ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણી લડાશે : વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વખતની લોકસભાની ચૂંટણી અમે ઇન્ડિયા ગઠબંધન હેઠળ લડવાના છીએ. જેમાં ઇન્ડિયા ગઠબંધન સાથે સંકળાયેલી પાર્ટીઓના વોટ શેર તમે જોઈ શકો છે અને ભાજપના વોટશેર તમે જોઈ શકો છે. જેના કારણે આ વખતની લોકસભાની ચૂંટણીમાં તમે આશ્ચર્યજનક પરિણામ ગુજરાતમાં પણ જોઈ શકશો. ઉલ્લેખનીય છે કે બી એમ સંદીપ છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની મુલાકાત કરી રહ્યાં છે અને સ્થાનિક કોંગ્રેસના નેતાઓને મળી રહ્યા છે. એવામાં તેઓ આજે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતાં અને સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
- B M Sandeep visit Junagadh : લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારી બી એમ સંદીપે લીધી જૂનાગઢની મુલાકાત
- Junagadh Congress : ભાજપ ધર્મના નામે અધર્મની નીતિ અપનાવીને કરી રહ્યું છે રાજનીતિ, જૂનાગઢમાં અર્જુન મોઢવાડિયાએ કર્યો પ્રહાર
- કૉંગ્રેસે અપનાવી કામ કરો ને ટિકીટ લઈ જાઓની નીતિ, AICCના સેક્રેટરીએ કરી જાહેરાત