રાજકોટ: આ વર્ષે યોજાયેલી રથયાત્રામાં સનાતની બુલ્ડોઝર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અષાઢી બીજના શુભ અવસરે ભગવાન જગન્નાથ અને તેમના બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામ સાથે નગરયાત્રાએ નીકળે છે. તેમજ શહેરીજનોને દર્શન આપે છે. જ્યારે નગરજનો પણ મોટી સંખ્યામાં આ જગન્નાથની યાત્રામાં જોડાઈ ધન્યતા અનુભવે છે.
આકર્ષણનું કેન્દ્ર: રથયાત્રામાં સનાતની બુલ્ડોઝર જોવા મળ્યું હતું. રાજકોટમાં નાના મૈવા સ્થિત કૈલાશધામ દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે. આ બુલ્ડોઝર જોઈને ભલભલા લોકો થોડા સમય માટે તો ચોંકી ગયા હતા. કારણ કે, સામાન્ય રીતે રથયાત્રામાં ટેબ્લો અને ભજન મંડળી જોવા મળતી હોય છે. પણ રાજકોટમાં આ પ્રકારનું વાહન પહેલી વખત રથયાત્રામાં જોવા મળતા લોકો આશ્ચર્ય પામ્યા હતા. આ બુલ્ડોઝરને સનાતની બુલ્ડોઝર નામ અપાયું હતું.
સનાતન ધર્મ વિશે: આ અંગે કૈલાસધામ મંદિરના મહંત મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે ભગવાન જગન્નાથની શોભાયાત્રા યોજાઈ રહી છે. જેમાં ઘણા બધા પ્લોટ રાખવામાં આવ્યા છે અને ભાવિક ભક્તો પણ જોડાયા છે. ત્યારે આ રથયાત્રામાં અમે નવા ઉદ્દેશ માટે બુલ્ડોઝર પણ આ રથયાત્રામાં રાખ્યું છે. જેમાં અમારા સનાતન ધર્મ વિશે કોઈ કાઈ બોલશે અથવા ખોટી વાત ફેલાવશે તેમનો સફાયો આ સનાતની બુલ્ડોઝર કરશે.
ઉત્સવોને આનંદથી ઉજવ્યા: બીજી તરફ રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ મીડિયાને જણાવ્યું હતું કે આજે ખૂબ જ પવિત્ર દિવસ છે. જે રીતે જગન્નાથ પૂરી અને અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. તે જ પ્રકારે રાજકોટમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે. જ્યારે રાજકોટ એ એક ધાર્મિક અને સંસ્કૃતિક શહેર છે. એવામાં રાજકોટ હર હંમેશા તમામ ઉત્સવોને આનંદથી ઉજવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જન્માષ્ટમીના તહેવાર નિમિતે પણ રાજકોટમાં ભવ્ય શોભાયાત્રા યોજાઇ છે. ત્યારે આ બધા કાર્યક્રમોથી રાજકોટમાં હિન્દુ એકતાના દર્શન થાય છે અને સનાતન ધર્મ ઉજાગર થાય છે.