રાજકોટ : ગુજરાતમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો પણ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોને ખાનગી શાળાઓમાં એડમિશન આપવામાં આવે છે. ત્યારે રાજકોટમાં પણ આવા વિદ્યાર્થીઓને RTE હેઠળ એડમિશન આપવામાં આવ્યા હતાં. પરંતુ કેટલાક વાલીઓએ અમુક ગેરરીતિ આચરીને પોતાના બાળકોને RTE અંતર્ગત એડમિશન લેવડાવ્યાં હોવાનું ખુલ્યું છે. રાજકોટ શિક્ષણ વિભાગ દ્વારા તપાસ બાદ 400 જેટલા એડમિશન રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ગત વર્ષે એડમિશન મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓએ આ વખતે પણ અમુક વિગતો છુપાવીને અને છેતરપિંડી કરીને ફરી RTE અંતર્ગત એડમિશન લીધું હતું. પરંતુ આ વિદ્યાર્થીઓ જ્યારે જે તે સ્કૂલમાં એડમિશન મળ્યું હતું. ત્યાં રિપોર્ટિંગ માટે ગયા હતા તે દરમિયાન આ વિદ્યાર્થીઓની તમામ વિગતો સામે આવી હતી. જેમાં એવા 400 જેટલા વિદ્યાર્થીઓ સામે આવ્યા છે કે તેમના વાલીઓ દ્વારા આવી છેતરપિંડી કરવામાં આવી છે. જેના હવે પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે...બી. એસ. કૈલા (જિલ્લા શિક્ષણ અધિકારી)
કઇ ગેરરીતિ થઇ : રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અધિકારી સાથેની વાતચીતમાં ગેરરીતિઓ મામલે જણાવાયું હતું કે વાલીઓ દ્વારા આરટીઇ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવામાં આવતા હોય છે.જ્યારે આ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ સાથે આ ફોર્મ કંપેર થાય છે એમાં વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓની વિગતો છૂપાવવામાં આવતી હોય છે અને ખોટી વિગતો ભરવામાં આવતી હોય છે. જેના કારણે આ ફોર્મ ઓનલાઈન સબમિટ થઈ જાય છે પરંતુ આવા વિદ્યાર્થીઓ જ્યારે જે તે સ્કૂલમાં એડમિશન લેવા જાય ત્યારે સ્કૂલમાં જે ડોક્યુમન્ટ જમા કરાવે તેમાં વિગતો સામે આવી જાય છે.
રાજકોટમાં આરટીઇ હેઠળ જગ્યાઓ : આરટીઇ એડમિશનમાં ગેરરીતિ મામલે ખળભળાટ વચ્ચે જાણકાર સૂત્રોમાંથી જણાવાયું હતું કે 1004 ખાનગી શાળામાં લગભગ 6000 જેટલી આરટીઇ હેઠળની જગ્યાઓનો સમાવેશ થાય છે. તેમાં રાજકોટમાં 5200 વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડમાં આરટીઇ હેઠળ પ્રવેશ ફાળવાયાં હતાં. જેમાંથી 4600 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન કનફર્મ કરવામાં આવ્યા છે. હાલમાં 600 જેટલા વિદ્યાર્થીઓએ કોઈ કારણોસર પ્રવેશ મેળવ્યો નથી. તેમાં 200 કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે તેમને પસંદગીની શાળાઓ મળી નથી પરંતુ 400 જેટલા વિદ્યાર્થીઓ આમાં એવા સામે આવ્યા છે કે તેમને ગત વર્ષે RTE અંતર્ગત ધોરણ 1માં એડમિશન મળી ગયા હતાં અને તેમણે આ વખતે પણ RTE અંતર્ગત ફોર્મ ભર્યું હતું.