રાજકોટ નજીક આવેલ રીબડા ગામના યુવાન સર્વજીતસિંહ શત્રુઘનસિંહ જાડેજા ખેતીવાડી અને ગોંડલ પાસે રાજારામ હોટેલ ચલાવી રહ્યા છે. 34 વર્ષીય યુવાને ગુજરાતીમાં રામકથા ઊંધા અક્ષરે લખી છે. સર્વજીતસિંહ દ્વારા આ રામકથા લખવામાં 9 વર્ષ જેટલો સમય લાગ્યો છે. રોજ સવારે પોતાના ઘરે 2 કલાકનો સમય કાઢી 47 જેટલી બુકમાં 4772 પેઇઝમાં રામકથા લખવામાં આવી છે.
ઊંધા અક્ષરે રામકથા લખ્યા બાદ તેને વિચાર આવ્યો કે. હનુમાન ચાલીસા પણ ઊંધા અક્ષરે લખું તો, ત્યારબાદ આ યુવાને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ભાષામં હનુમાન ચાલીસા લખી છે. ઊંધા અક્ષરે હનુમાન ચાલીસા લખવામાં 90 મિનિટ જેવો સમય લાગે છે. તાજેતરમાં જ તેઓ દ્વારા ઊંધી લિપિમાં હનુમાન ચાલીસાના લખાણ વાળી બુક પ્રિન્ટ કરાવી પૂજ્ય હરિચરણદાસજી મહારાજના હસ્તે વિમોચન કરવામાં આવી હતી.
સર્વજીતસિંહે સિદ્ધિને ધોરાજી સ્થિત ચૈતન્ય હનુમાનજી મંદિર પંચદર્શનામ અખાડાના ગુરુ પૂજ્ય લાલુ ગીરીબાપુના આશીર્વાદ ગણાવી છે. તેઓની પ્રેરણાથી જ પોતાને લેખન શૈલીમાં વૃદ્ધિ થઈ છે. હાલ તેઓ માત્ર 90 મિનિટમાં હનુમાન ચાલીસા ઊંધા અક્ષરે લખી શકે છે. સર્વજીતસિંહને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે જેઓ પિતાની આ અનોખી સિદ્ધિથી પણ રોમાંચિત છે.